સુરતના આ વિસ્તારમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું
(એજન્સી)સુરત, કાપોદ્રા ખાતે આવેલી ભગવતી કન્સલ્ટન્સીના નામે બોગસ નાગરિક સુવિધા કેન્દ્રમાં સિટી પ્રાંત અધિકારી અને પોલીસે રેઈડ કરી હતી. અને બોગસ દાખલા અને યોજનાનાં કાર્ડ બનાવી આપનારની સામે ફરિયાદ દાખલ કરવામાં કરી સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. A fake public convenience center was caught from this area of Surat
જ્યાંથી પોલીસે આવકના દાખલા, પાનકાર્ડ, આધારકાર્ડ, કોમ્યુટર, હાર્ડ ડિસ્ક સહિતના મહત્વના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. પુણા ઝોન ઓફિસ વિસ્તારમાં પુણા ગામ પાસે કિરણ ચોક ભગવતી કૃપા સોસાયટી સ્થિત જલારામ કોમ્પ્લેક્સમાં દુકાન નં.૧માં ભગવતી કન્સલ્ટન્સી નામની દુકાનમાં ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવી આપવાની માહિતી સિટી પ્રાંત અધિકારી વિક્રમસિંહ ભંડેરીને મળી હતી.
સિટી પ્રાંત અધિકારીએ આ અંગે પુણા મામલતદાર રોશની પટેલ સહિત તેમના નાયબ મામલતદાર અને તલાટીઓને કાર્યવાહીની સૂચના આપી હતી. ત્યાં જઈને ચેક કરતાં ભગવતી કન્સલ્ટન્સી તથા જન સુવિધા કેન્દ્રના નામે દુકાન હતી, જેમાં તમામ પ્રકારની સરકારી યોજનાનાં કાર્ડ અને દાખલા બનાવાતાં હતાં. દુકાનમાં ખાનગી રીતે વોચ રાખી તપાસ કરતાં દુકાનમાં આવતા ગ્રાહકો પાસેથી પૈસા લઈ ડુપ્લિકેટ અલગ અલગ કાર્ડ તથા દાખલા કાઢી આપતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
જેથી સ્થાનિક પોલીસના અધિકારીઓની મદદ લઈ ઓપરેશન કરાયું હતું. દુકાનમાં રેઈડ કરતાં અંદર એક વ્યક્તિ બેઠી હતી. તેનું નામ પૂછતાં નિકુંજ ભાવચંદ દુધાત હોવાનું જણાવ્યું હતું. અને પોતે છેલ્લા દોઢ-બે વર્ષથી આ દુકાન ભાડે ચલાવતો હોવાનું અને દુકાનના માલિક હરેશ લુણાગરિયા હોવાનું જણાવ્યું હતું. તેની પાસે ગુમાસ્તાનું લાઈસન્સ પણ ન હતું.
રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની પરવાનગી વગર જનસુવિધા કેન્દ્ર ચલાવતો હતો. દુકાનની અંદર તપાસ કરતાં અલગ અલગ યોજનાના લોકોના નામે દાખલા, રાશનકાર્ડ, ફોર્મ પડેલા હતા. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી સંચાલક નિકુંજની ધરપકડ કરી હતી.