દોરા પ્રાથમિક શાળાના આચાર્ય વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના દોરા પ્રાથમિક શાળાના આચાર્ય હરિસિંહ અર્જુનસિંહ રાજ વય નિવૃત્ત થતા આજે શાળામાં તેમનો ગામલોકો તરફથી ભવ્ય સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના શિક્ષિકો દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ નિવૃત થતા આચાર્ય હરિસિંહ રાજને શ્રીફળ તથા શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ શિક્ષકો દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરાયું હતું.શાળાના શિક્ષિકા ક્રિષ્નાબેન દ્વારા ભાવવિભોર શૈલીમાં આચાર્ય હરિસિંહ રાજનું શાબ્દિક સન્માન કર્યું હતું.નિવૃત થતા આચાર્ય ને શિક્ષકો દ્વારા કિંમતી ભેટ આપવામાં આવી હતી.તેમજ શાળાના નાના બાળકોએ પણ પોતાના પિતા તુલ્ય આચાર્યનું ભેટ આપી સન્માન કરતાં આચાર્યએ બાળકોના માથે હાથ મૂકી આશીર્વાદ આપતા હર્ષનાં આંસુ છલકાઈ ગયા હતા.
આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી, બી.આર.સી.કોર્ડીનેટર મહેન્દ્રસિંહ ગોહિલ,તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ દશરથ ચૌધરી,આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ,ગામના આગેવાનો તેમજ શિક્ષક ગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વય નિવૃત્ત થતાં હરિસિંહ રાજ ચિત્રકાર છે.જેમણે દોરા પ્રાથમિક શાળામાં જાતે જ પેઈન્ટિંગ કરી સુવિચારો લખ્યા હતા.તેમજ પ્રકૃતિ પ્રેમી પણ છે.જેમણે ૨૦૧૭ માં પર્યાવરણ બચાવો પદયાત્રા અમદાવાદ રીંગ રોડથી સાબરકાંઠાના સુઈ ગામ પાકિસ્તાન બોર્ડર સુધી કરી હતી.ત્યાર બાદ ૨૦૧૮ ભિલાડ થી ભુજ સુધી ૨૧ દિવસ સુધી બીજી પર્યાવરણ બચાવો પદયાત્રા કરી હતી.હવે નિવૃત્તિ પછી પણ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે નર્મદા નદીની પદયાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે.