અજાણ્યા નંબર પરથી ખેડૂતને ફ્રેન્ડશીપ રિક્વેશટ આવીઃ 98 લાખની ઠગાઈ
ખેડૂત સાથે કલબ મેમ્બરશીપના મહિલાએ નામે ૯૭.૭૯ લાખની ઠગાઈ-મહિલા સહિત ૩ સામે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો
ડીસા, ડીસામાં ફ્રેન્ડશીપ કલબમાં મેમ્બરશીપ આપવાના બહાને એક ખેડૂત પાસેથી ટોળકીએ આઠ વર્ષ સુધી પૈસા પડાવ્યા છે. આખરે અલગ અલગ ચાર્જ અને ફીના નામે ૯ર.૭૯ લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર એક મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસાના વાસણા ગામે રહેતા ખેડૂત સુખદેવભાઈ ગેલોતને ર૦૧૪ની સાલમાં તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફ્રેન્ડશિપ માટે ટેકસ્ટ મેસેજ આવ્યો હતો જે નંબર પર સુખદેવભાઈએ ફોન કરતાં જાનવી નામની યુવતીએ તેમની સાથે વાત કરી હતી અને આ યુવતીએ જાનુ ફ્રેન્ડશીપ નામની કલબ ચલાવે છે જેની એડવરટાઈઝ પણ રેગ્યુલર પેપરમાં આવે છે તેવું જણાવતાં સુખદેવભાઈએ ઓનલાઈન સર્ચ કરતા તેમને બધું જ બરાબર જણાયું હતું.
ત્યારબાદ તેમને આ ફ્રેન્ડશીપ કલબમાં રજિસ્ટ્રેશન કરી મેમ્બરશીપ મેળવવા માટે જાનવીએ આપેલા એક બેન્ક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા ત્યારબાદ આ યુવતીએ ખેડૂતને અન્ય યુવતીઓ સાથે કોન્ફરન્સથી વાત કરાવેલી અને ખેડૂત પાસેથી સિકયુરિટી ચાર્જ મેડિકલ, ચેકઅપ ચાર્જ, ડ્રાઈવર ભાડા ચાર્જ સહિતના અલગ અલગ ચાર્જ માટે અલગ અલગ ખાતા નંબરોમાં પૈસા જમા કરાવ્યા હતા.
બાદમાં જાનવીએ સાહિલ ઉર્ફે ચિરાગ અને જે કે શિવમ ઉર્ફે જીતુની સાથે વાતચીત કરાવતા આ બંનેના કહેવાથી ખેડૂતે ઈન્કમટેકસ ચાર્જ, સિકયુરિટી ચાર્જ, ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, ડોકયુમેન્ટ મેન્ટેનન્સ ચાર્જ, ટેબ્લિકન એકાઉન્ટમાંથી રોકડ ન પાડી શકે તે માટેનો ચાર્જ, નોટિસ તથા લેટ પેમેન્ટનો ચાર્જ, કોરોના ચાર્જ તથા ફાઈનલ રીન્યુએશન ચાર્જ સહિત અલગ અલગ ચાર્જના નામે અલગ અલગ એકાઉન્ટમાં કુલ ૯ર.૭૯ લાખ રૂપિયા જમા કરાવડાવ્યા હતા
તે પછી ર૦રરની સાલમાં અચાનક યુવતી સહિત ત્રણેય લોકોના મોબાઈલ નંબર બંધ થઈ જતા ખેડૂત ટેન્શનમાં આવી ગયો હતો અને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તે ડિપ્રેશન અનુભવવા લાગ્યા હતા. ત્યારબાદ એક વર્ષ પછી તેઓ સ્વસ્થ થતાં અને લોકોએ હિંમત આપતા તેમણે જાનવી, સાહિલ ઉર્ફે ચિરાગ તેમજ જે કે શિવમ ઉર્ફે જીતુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.