ચિત્રકૂટ એવોર્ડ મેળવનાર સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યનો સન્માન સમારંભ યોજાયો
(પ્રતિનિધિ)ભરૂચ, વર્ષ ૨૦૨૩ ના ચિત્રકૂટ એવોર્ડ માટે આમોદ તાલુકાના સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યા રેખાબેન મકવાણાની પસંદગી થઈ હતી અને ૧૮ મી જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની હાજરીમાં ભાવનગર જીલ્લાના તલગાજરડામાં ચિત્રકૂટ ધામ ખાતે પ્રખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુના હસ્તે રેખાબેનને ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.જેને લઈ સુઠોદરા ગામ તેમજ પ્રાથમિક શાળાનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું થયું હતું.
જેથી સુઠોદરા ગ્રામજનો,એસ.એમ.સીના સભ્યો તેમજ શાળા પરિવાર દ્વારા તેમનો સુઠોદરા પ્રાથમિક શાળામાં સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.ત્યારે સુઠોદરા ગ્રામજનો દ્વારા ફાળો એકત્રિત કરી સરસ્વતી માતાની ચાંદીની પ્રતિમા,શાલ તેમજ બુકે આપી આચાર્યા રેખાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગામના સરપંચ,આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ,તાલુકા અને જિલ્લા કક્ષાના શિક્ષક સંઘના હોદ્દેદારો, બી.આર.સી કોર્ડીનેટર તેમજ તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્યાએ પોતાના ભવ્ય સન્માન બદલ ગ્રામજનો અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.