ધર્મજ ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
(તસ્વીરઃ દેવાંગી ઠાકર)(પ્રતિનિધિ) પેટલાદ, છ ગામ પાટીદાર સમાજ દ્વારા ધર્મજ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ગઈકાલે યોજાયો હતો.
જેમાં ધો.૧ થી ધો.૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીનીએ પોતાનો પ્રતિભાવ રજૂ કરતાં કહ્યું હતું કે અભ્યાસ બાદ માત્ર વિદેશ જ જવાનો ધ્યેય છોડી સ્પર્ધાત્મક પરિક્ષા પાસ કરો, તો ભારતમાં પણ ઉજ્જવળ તકો રહેલી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધર્મજ ખાતે પ્રતિવર્ષ ધો.૧ થી ધો.૧૨ સુધીમાં જે કોઈ વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંક મેળવ્યો હોય તેઓનું સન્માન કરવામાં આવે છે. ગતરોજ આવો જ એક કાર્યક્રમ જલારામ મંદિર ખાતે યોજાયો હતો. છ ગામ પાટીદાર સમાજના આ કાર્યક્રમમાં આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ અને ધર્મજના પાટીદાર રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશને યુવાધનની જરૂર છે.
તેઓને પ્રોત્સાહન મળી રહે તે માટે આવા કાર્યક્રમો દરેક સમાજમાં થવા જરૂરી છે. સમારોહના અતિથીપદે ઉપસ્થિત એસપી યુનિવર્સિટીના પ્રાધ્યાપક મહેન્દ્રભાઈ નાઈએ કહ્યું હતું કે નિષ્ફળતા જ સફળતાની ગુરૂ ચાવી છે. સમાજમાં અનેક વખત નિષ્ફળ થયેલી વ્યક્તિઓ આજે ઉચ્ચ કક્ષાએ છે.
તેઓએ અનેક સફળ વ્યક્તિઓના દ્રષ્ટાંત આપી સન્માનિત વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતાં ધરા પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પુસ્તકીયા જ્ઞાન મેળવવા સાથે ઈતર પ્રવૃત્તિઓ ઉપર પણ ધ્યાન આપવું જાેઈએ. જેથી વિદ્યાર્થીઓની અંદર પડેલી ટેલેન્ટ બહાર આવી શકે.
અન્ય વિદ્યાર્થીની દિયા પટેલે કહ્યું હતું કે દરેકે વિદેશ જવાનો ધ્યેય ના રાખવો જાેઈએ. પરંતુ અભ્યાસની સાથોસાથ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરવી જાેઈએ. ભારતનું ભણતર પણ ભવિષ્યની અનેક ઉજ્જવળ તકો આપે છે. વાલીઓના પ્રતિભાવ પૈકી અર્ચનાબેન પટેલે કહ્યું હતું કે વિશ્વને ગણિત જેવો વિષય ભારત દેશે આપ્યો છે.
ઉપસ્થિત વાલીઓને અપીલ કરતા કહ્યું હતું કે દરેકે પોતાના બાળકોને નાની નાની વાતો દ્વારા મોટી સિદ્ધિઓ સુધી પહોંચાડી શકાય છે. ત્યારબાદ છ ગામ પાટીદાર સમાજના વડીલો, આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધર્મજ કેળવણી મંડળના પ્રમુખ હર્ષદભાઈ પટેલ, સભ્ય શૈલેષભાઈ પટેલ, મંડળના સભ્યો, જીલ્લા પંચાયતના સભ્ય પ્રકાશભાઈ પટેલ, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલ આગેવાનો, વડીલો, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.