Western Times News

Gujarati News

પરિણીત યુવતીને ભગાડી જવા પ્રશ્ને બે પરિવારો વચ્ચે મારામારી થઈ

રાજકોટ, મિયાણી ગામે વાડી વિસ્તારમાં રહેતા ઇલેક્ટ્રિશિયન ભરત લખુભાઇ જમોડ નામના ૨૩ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ કમલેશ જમોડને કરસન બાલુ વાઘેલાની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો તે બાબતનું મનદુઃખ રાખીને ઘાતક હથિયારો ધારણ કરીને બે મહિલા સહિત ૧૫ વ્યક્તિના ટોળાએ ઘાતક હુમલો કર્યો છે અને હત્યાની કોશિશ કરી છે.

વહેલી સવારે બાલુ કારા વાઘેલા, મુન્ના બાલુ વાઘેલા, કરસન બાલુ વાઘેલા, સુમરીબેન બાલુ વાઘેલા, મણીબેન કરસન વાઘેલા, સાગર પુંજા વાઘેલા, દેવસી કારા વાઘેલા, રાહુલ દેવસી વાઘેલા, ભરત દેવશી વાઘેલા, રામા કારા વાઘેલા, અને અજાણ્યા ત્રણથી ચાર વ્યક્તિઓ લાકડી લોખંડના પાઇપ જેવા હથિયારો ધારણ કરીને આવી પહોંચ્યા હતા.

સાગર પુંજા વાઘેલાએ ભરતના માથામાં લાકડી મારી હતી તથા અન્ય આરોપીઓએ આડેધડ માર મારી ઇજા પહોંચાડી હતી. ભરતના માતા શાંતીબેન જમોડને પણ ઇજા પહોંચાડી હતી અને પિતા લખુભાઈ જમોડને પણ મુંઢ માર મારવામાં આવ્યો હતો.

ભરતના દાદા રાણાભાઇ ઉકાભાઇ જમોડની હત્યાના ઇરાદે માથામાં લાકડીના ફટકા મારીને દેવશી કારા વાઘેલા અને રામા કારા વાઘેલાએ હત્યાની કોશિશ કરી હતી. અન્ય આરોપીઓએ રાણાભાઇ જમોડના પગમાં લાકડીઓ તથા પાઇપ મારીને ળેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી હતી.

ત્યારબાદ ઘરના બારીના કાચ તોડી નાખ્યા હતા તથા મોટરસાયકલમાં પણ તોડફોડ કરી હતી. સામે પક્ષે મિયાણીના મણીબેન કરસન વાઘેલા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેની દીકરી નીલમ ૧૯ વર્ષની છે અને તેના લગ્ન બે મહિના પહેલા જામ રાવલના મુકેશ રામદે કોરાખી સાથે થયા હતા.

૨૦ દિવસ પહેલા નીલમ ઘરે આવી હતી અને તા. ૧ મેના રાત્રે કોઈને કશું કહ્યા વગર ગામમાં જ રહેતા કમલેશ લખુ જમોડ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની સાથે જતી રહી હતી. નીલમ પરણેલી હોવાથી તેને ફરીથી ઘરે લઈ આવવા સમાજ લેવલે વાતચીત ચાલતી હતી.

સવારે અચાનક દરવાજા પાસે પુત્રી નીલમનો અવાજ સંભળાયો હતો અને એણે એવું જણાવ્યું હતું કે રાડિયો આતો, કમલેશ લખુ તથા બીજા લોકો મને અહીં મૂકી ગયા છે અને કહ્યું છે કે તું હવે અમારે નથી જોતી.

આથી ફરિયાદી મણીબેને દીકરીને એવું જણાવ્યું હતું કે પહેલું ઘર પણ બગાડયું છે હવે આ લોકો તને ન રાખે તો અમે તને ક્યાં મૂકવા જઈએ તેના કરતા ચાલ અમે લોકો તને જ્યાં હતી ત્યાં મૂકી જઈએ તેમ કહીને ફરિયાદી મણીબેન વગેરે દીકરી નીલમને લઈને કમલેશના ઘરે મુકવા ગયા હતા.

ત્યાં મણીબેને તેની દીકરી નીલમને સોંપીને કહ્યું હતું કે મારી દીકરીને ૨૦ દિવસ ફેરવી મૂકી ગયેલ છે હવે અમારે ક્યાં મૂકવા જવી? તેમ વાત કરતા રડીઓ આતો ઉર્ફે રાણા ઉકા જમોડ ઉશ્કેરાઈ ગયો હતો અને ફળિયામાં પડેલ લાકડી વડે મહિલાના પગમાં માર્યો હતો. એ દરમિયાન રડીયા આતાનો દીકરો લખુ અને તેનો દીકરો કમલેશ પણ આવી પહોંચ્યા હતા અને આ મહિલાને ઢીકા પાટુનો માર મારી ગાળો બોલવા લાગ્યા હતા.

એ દરમિયાન ફરિયાદી સાથે ગયેલા સંબંધીઓ છોડાવવા જતા એવું કહ્યું હતું કે તમારી દીકરીને ફરીને લઈ આવશો તો જાનથી મારી નાખશું. આગળની તપાસ મિયાણી મરીન પોલીસ ચલાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.