Western Times News

Gujarati News

ઉધનાની ડાઈંગ મિલમાં આગ લાગતાં અફરાતફરી મચીઃ ફાયર ઓફિસર 20 બીજે માળથી પટકાતાં ગંભીર

માનદરવાજા, ડુંભાલ અને મજુરા ફાયર સ્ટેશનના કાફલો ઘટના સ્થળે પહોંચ્યોઃ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ

પતરાંનો શેડ ધરાશાયી થતાં મનોજ શુક્લા 20 ફુટ નીચે જમીન પર પટકાયા

(પ્રતિનિધિ) સુરત, શહેરના ઉધના ખાતે આવેલ ડાઈંગ મિલમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો.

જ્યાં વિકરાળ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહેલા ફાયર ઓફિસર મનોજ શુક્લા બીજા માળેથી જમીન પર પટકાતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં તેઓને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ સઘન સારવાર માટે હાલ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

બીજી તરફ ભારે જહેમત વચ્ચે ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આ દુર્ઘટનાને પગલે મિલમાં મુકવામાં આવેલા યાર્નનો જથ્થો બળીને સ્વાહા થઈ જતાં લાખ્ખો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયર સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ઔદ્યોગિક એકમોથી ધમધમતાં ઉધનામાં રોડ નંબર 6 પર આવેલ શંકરગિરી ઓલિયા સિલ્ક મિલ્સમાં આજે સવારે 6.46 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. મીલમાં યાર્નનો જથ્થો હોવાને કારણે ગણતરીનાં સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભીષણ આગને કારણે આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કર્મચારીઓમાં પણ નાસભાગ મચી જવા પામી હતી.

બીજી તરફ ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં માનદરવાજા, ડુંભાલ અને મજુરા ગેટ ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા વચ્ચે ફાયર વિભાગના કાફલા દ્વારા આગ પર કાબુ મેળવવાના ભરચક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમિયાન ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતાં મનોજ શુક્લા મીલમાં બીજા માળ પર આવેલ પતરાંના શેડ પર ઉભા રહીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

જો કે, અચાનક પતરાનો શેડ ધરાશાયી થઈ જતાં તેઓ અંદાજે 20 ફુટ ઉપરથી જમીન પર પટકાયા હતા. અચાનક સર્જાયેલ આ ઘટનાને કારણે ફાયર વિભાગના કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ફાયર ઓફિસર મનોજ શુક્લા જમીન પર પટકાયા બાદ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મણકા, કમર અને થાપા સહિત બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.

શંકરગિરી ઓલિયા સિલ્ક મિલ્સમાં એક તરફ ફાયર વિભાગના જવાનો આગ પર કાબુ મેળવી રહ્યા હતા ત્યારે બીજી તરફ ગંભીર હાલતમાં ઘાયલ ફાયર ઓફિસર મનોજ શુક્લાને સ્મીમેર હોસ્પિટલથી અન્ય ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અંદાજે દોઢથી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના કાફલાને સફળતા સાંપડી હતી. જો કે, આ દુર્ઘટના દરમિયાન ફાયર ઓફિસરને ગંભીર ઈજાઓ પહોંચતાં ફાયર વિભાગના અધિકારીઓ પણ હોસ્પિટલ ખાસે દોડી ગયા હતા.

કમિશનર અને મેયર સહિતના અધિકારીઓ સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા
ઉધના ખાતે રોડ નં. 6 પર આવેલ ડાઈંગ મિલમાં આગ પર કાબુ મેળવવાના પ્રયાસો દરમિયાન 20 ફુટ ઉપરથી જમીન પર પટકાતાં ફાયરઓફિસર મનોજ શુક્લાને ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં મહાનગર પાલિકાના અધિકારીઓમાં પણ અરેરાટી પ્રસરી જવા પામી હતી.

બીજી તરફ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલા મનોજ શુક્લાને યોગ્ય અને ત્વરિત સારવાર મળી રહે તે માટે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત મેયર દક્ષેશ માવાણી, ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ, ફાયર વિભાગનો હવાલો સંભાળતા ધર્મેશ મિસ્ત્રી સહિતના મોટા ભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવારગ્રસ્ત મનોજ શુક્લાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.