વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલી ગોદરેજ કંપનીમાં વાઈપ ફિલ્મ ડ્રાયરમાં આગ
૪ ફાયર ફાઈટરો અને કંપનીની ફાયર સિસ્ટમની મદદથી કલાક બાદ આગ કાબુમાં લેવાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં આવેલી ગોદરેજ કંપનીમાં મંગળવારની સવારે અચાનક ધુમાડા સાથે આગે દેખા દેતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.તો ભીષણ આગના પગલે ચાર ફાયર ફાઈટરોએ એક કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કનેરાવ ગામે ૧૪૦ એકરમાં ૩૨ વર્ષથી ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ધમધમે છે.
કંપની ઓલિયો કેમિકલ્સ સહિતની મદદથી પ્લાન્ટમાં ફેટી એસિડ્સ,ગ્લિસરીન, ફેટી આલ્કોહોલ્સ અને સર્ફેક્ટન્ટ્સ જેવા કે સોડિયમ લૌરીલ સલ્ફેટ, સોડિયમ લૌરીલ ઈથર સલ્ફેટ અને આલ્ફા ઓલેફિન સલ્ફોનેટનું ઉત્પાદન કરે છે.ત્યારે આજે મંગળવારની સવારે કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી.ત્યારે સફેદ ધુમાડા સાથે આગે દેખાડેતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
આગની ઘટનાની જાણ પોલીસ, ફાયર ફાઈટરો અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.ઝઘડિયા, ડીપીએમસીમાં ફાયર સહિત કંપનીની આંતરિક ફાયર સિસ્ટમની મદદથી એક કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવાયો હતો પ્રાથમિક તપાસમાં વાઈપ ફિલ્મ ડ્રાયરમાં આગ લાગી હોવાની વિગતો બહાર આવી હતી.આગ ક્યાં કારણોસર લાગી તે અંગે સેફટી વિભાગે વધુ તપાસ હાથધરી છે.જાે કે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ મોટું નુકશાન થવા પામ્યું હતું.