અંકલેશ્વરની કંપનીમાં પ્રેશર અને ટેમ્પરેચર વધતા આગ લાગી
(પ્રતિનિધી) ભરૂચ, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દેવાંશી ડાયસ્ટ કંપનીમાં ગુરૂવારે સવારે ઉત્પાદન પ્રક્રિયા વેળા અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી.ડાયસ અને પીગમેન્ટ બનાવતી કંપનીમાં ફાયરના કોલથી ડીપીએમસીના ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા.કંપનીમાં ડ્રાયરમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન પ્રેશર અને ટેમ્પરેચર વધી જતાં ધુમાડા સાથે આગે દેખા દીધી હતી.જેના કારણે કંપની સત્તાધીશો અને કામદારોમાં દોડધામ વધી ગઈ હતી.
પોલીસ સાથે ડીપીએમસીના એક ફાયર ટેન્ડરે સ્થળ ઉપર દોડી આવી માત્ર ૧૫ મિનિટમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ અંગે ડીપીએમસીના મનોજ કોટડીયાએ જણાવ્યું હતું કે ડ્રાયરમાં સામાન્ય લાગેલી આગને માત્ર એક ફાયર ટેન્ડરમાં રહેલા અડધા પાણીના જથ્થાના છંટકાવથી ગણતરીની મિનિટોમાં જ બુઝાવી દેવામાં આવી હતી. સામાન્ય આગને લઈ કોઈ નુકશાની નોંધાઈ નથી. નવા વર્ષે જ અને ખાસ કરી શિયાળાની ઠંડીની મૌસમમાં ભરૂચ જીલ્લાના ઉદ્યોગોમાં આગના બનાવો ગત ડિસેમ્બર મહિનાથી વધી રહ્યા હોવાથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે.