અમદાવાદની તક્ષશિલા ટાવરમાં ૧૨મા માળે લાગી આગ
અમદાવાદ, શહેરનાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં ૧૨માં માળે આગ લાગવાની ઘટના બની છે. આ આગને કાબુમાં લાવવા માટે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે.
હાલ આગને કાબુમાં લેવાનાં તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. આ આગ કયા કારણોસર લાગી છે તે હજી સ્પષ્ટ થયું નથી.આગને કારણે સદનસીબે હાલ કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી.આ આગમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ૧૨માં માળે લાગેલી આ ભયાનક આગ ૧૪માં માળ સુધી પહોંચી છે. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનીનાં કોઇ સમાચાર નથી. બે વૃદ્ધોનો શ્વાસ રૂંધાતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસની ટીમ સાથે ડેપ્યુટિ કમિશ્નર રમેશ મેરજા પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. શહેરમાં થોડા દિવસ પહેલા પણ નારોલ વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. નારોલની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી. આનંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં રાખેલા રેસીન અને પીગમેન્ટના કેમિકલનાં ગોડાઉનમાં આગ લાગી હતી.
આગ લાગતા જ ગોડાઉનમાં કામ કરતા લોકો બહાર દોડી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ફાયર વિભાગના ગજરાજ ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.SS1MS