અમદાવાદમા હવે 33 માળ સુધી બિલ્ડીંગમાં લાગેલી આગ કંટ્રોલ કરી શકાશે
અમદાવાદમાં ૩૩ માળ સુધીની ઇમારતોમાં લાગેલી આગ કન્ટ્રોલ કરવા યુરોપથી નવું ફાયર બૂમ ટાવર ખરીદાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં હવે સ્કાય સ્ક્રેપર બિલ્ડીંગો બની રહી છે. શહેરમાં ઉંચી ઈમારતોમાં આગ -અકસ્માત સમયે ફાયર તેમજ રેસ્કયુની કામગીરી માટે વધુ ઉંચાઈ ધરાવતી અદ્યતન ટેકનોલોજી સાથેના વાહનો ખરીદવાની જરૂરિયાત ઊભી થઈ છે.
૭૦ મીટરથી ઊંચી એટલે કે ૩૩ માળ સુધીની બિલ્ડિંગોમાં આગ કંટ્રોલ કરવાની કામગીરી કરી શકે તેવાં બુમ ટાવર મળીને કુલ ૨૬ વાહનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ૯૭ કરોડના ખર્ચે ખરીદવામાં આવશે. જે ભારતમાં સૌપ્રથમવાર ૩૩ માળ સુધી લાગેલી આગ સીધી બુઝાવી શકે એવા સાધનની ખરીદી કરવામાં આવી છે. આ સાધન યુરોપથી લાવવામાં આવશે.
મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગમાં હાલમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનો પૈકી ઘણાં વાહનો ૧૫ વર્ષ કરતાં વધુ જૂના થયેલા હોઈ કેન્દ્ર સરકારની મોટર વ્હીકલ એકટની પોલીસી હેઠળ સ્ક્રેપ કરવામાં આવે છે. અનેક વાહનો જુના થઈ ગયા હોવાથી બદલવામાં આવશે. અમદાવાદમાં ૩૦ માળથી વધુ ઊંચી બિલ્ડીંગો બની રહી છે
ત્યારે આ અકસ્માતની ઘટનાને પહોંચી વળવા ૭૦ મીટર હાઇટ સુધી પાણીથી આગ બુજાવી શકાય તેના માટે બૂમ ટાવર સહિતના ફાયર ના સાધનો ખરીદવામાં આવશે. ૧૫ મીની ફાઇટર, ૫ વોટર બાઉઝર, ૨૦ મીટરના ૫ બૂમ ટાવર અને ૭૦ મીટરના ૧ બૂમ ટાવર સાધન ખરીદવામાં આવશે. જેમાં હાઇપ્રેશર મિનિફાયર ૧૫ નંગ- અંદાજીત કુલ કિમંત ૧૫.૮૫ કરોડ,
વોટર બાઉઝર ૦૫ નંગ ઃ અંદાજીત કુલ કિમંત ૧૧.૧૫ કરોડ, ૨૦ મીટર બુમ વોટર બાઉઝર ૦૫ નંગ ઃ અંદાજીત કુલ કિમંત ૨૨.૫૫ કરોડ તેમજ ૭૦ મીટર ઉંચાઇવાળા બુમ ટાવર ૦૧ નંગ ઃ અંદાજીત કુલ કિમંત ૨૦.૬૬ કરોડનો સમાવેશ થાય છે. આ સાધનોની ખરીદી ઝડપી કરવામાં આવશે સપ્ટેમ્બર મહિના સુધીમાં ૧૫ વાહનો, બીજા વાહનો ડિસેમ્બર મહિના સુધીમાં અને ૨૦ કરોડના ૭૦ મીટર ઊંચાઈના બૂમ ટાવર જે વિદેશથી મંગાવવામાં આવ્યા છે
તે આગામી ઓગસ્ટ સુધીમાં મળશે. અદ્યતન ટેકનોલોજી સાથેના નવા સાધનોની ખરીદી થતાં આવનાર દિવસોમાં ફાયર બિગ્રેડના કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી ફાયર વિભાગની કામગીરીમાં વધુ અસરકારકતા લાવી શકાશે.