Western Times News

Gujarati News

આણંદ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકને ભાવભર્યું વિદાયમાન

(પ્રતિનિધિ) નડિયાદ, આણંદ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક માહિતી નિયામક સંજય શાહ ૩૯ વર્ષથી માહિતી ખાતામાં સંનિષ્ઠ ફરજ બજાવી વય નિવૃત્ત થતાં તેમને માહિતી પરિવાર દ્વારા ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું. વય નિવૃત્ત થતાં શાહને આણંદ કચેરીના નાયબ માહિતી નિયામક હેતલ દવેએ શાલ ઓઢાડી, સાકર તથા શ્રીફળ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી વિદાયમાન આપવાની સાથે તેમના કર્મયોગને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે, શાહ મૂળ વહીવટી બાજુના અધિકારી હોવા છતાં તેમણે માહિતી ખાતાની અગત્યની એવી સંપાદન, ટેકનિકલ શાખાની કામગીરી પણ બખૂબી બજાવી હતી.

ખાસ કરીને આણંદ ઉપરાંત તેમની પાસે મહિસાગર અને વડોદરા કચેરીનો ચાર્જ હતો, તે સમયે તેમણે કરેલી કામગીરી નોંધનીય રહી છે. કોરોના કાળ ઉપરાંત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં તેમણે મહિસાગર કચેરીની સાથે આણંદ કચેરીમાં પણ પ્રશંસનીય કામગીરી કરી હતી. વડોદરા પ્રાદેશિક કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી બી. પી. દેસાઇએ શ્રી શાહની કર્તવ્યપરાયણતાની પ્રશંસા કરવા સાથે તેમની સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, તેઓ પોતાની ફરજને ચુસ્ત રીતે વગળી રહીને સરકારી કામગીરી કરી છે.

એટલું જ નહીં, સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર કરવાની સાથે સાલસ અને મળતાવડા સ્વભાવને કારણે તેઓ પત્રકાર આલમમાં પણ ચાહના ઉભી કરી છે.
શ્રી દેસાઇએ શ્રી સંજય શાહનું શેષજીવન આરોગ્યપ્રદ અને સુખમય રહે તેવી શુભકામનાઓ પાઠવવા સાથે તેઓ નિવૃત્તકર્મ ઉત્તમ રીતે કરી પોતાના પરિવાર અને સમાજ માટે સમય આપે એવી ભાવના વ્યક્ત કરી હતી. નિવૃત માહિતી નિયામક શ્રી યાકુબ ગાદીવાલા તથા નડિઆદના નાયબ માહિતી નિયામક સુશ્રી નિત્યા ત્રિવેદી અને નિવૃત્ત સહાયક માહિતી નિયામક શ્રી એસ. જે. મિશ્રા, શ્રી સર્વજ્ઞ સુખડિયા, શ્રી દિનેશ ચૌહાણ, શ્રી જયેશ ચૌહાણએ પ્રાસંગિક પ્રવચનમાં શ્રી શાહ સાથેના સંસ્મરણો વાગોળી તેમની વહીવટી કુનેહ તથા મદદ કરવાની ભાવનાને બિરદાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.