52 વખત હુમલો થવા છતાં જીતી નથી શકાયો તેવો મહારાષ્ટ્રમાં આવેલો આ કિલ્લો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/02/Murud-Janjirafort.jpg)
આ કિલ્લા સુધી જવા માટે તમે મુંબઈ, પૂણે, અલીબાગ કે રાયગઢથી જઈ શકો છો. આ ચારેય શહેરોમાંથી સ્પેશિયલ જંજીરા કિલ્લા સુધી બસ જાય છે
કોઈને ઐતિહાસિક સ્થળો પસંદ હોય તો કોઈને નેચર વધારે પસંદ હોય. અહીં આ વખતે આપણે ઐતિહાસિક કિલ્લાની વાત કરવાની છે. ઐતિહાસિક કિલ્લો એવો કે જેને આજ સુધી કોઈ જીતી નથી શક્યું.
કિલ્લાની વિશેષતા શું છે ?
ઈતિહાસ જાણવાના શોખીન લોકો માટે મહારાષ્ટ્રનો જંજીરા કિલ્લો ફરવા માટે શ્રેષ્ઠ અને રસપ્રદ ઐતિહાસિક ઘટનાઓથી ભરેલો છે. આમ પણ આપણા દેશના ઈતિહાસને વાંચવા બેસશો તો સમજાશે કે તેમાં એકથી એક ચઢિયાતા રસપ્રદ કિસ્સાઓ છે જેને વાંચીને એમ થાય કે શું ખરેખર આવું બન્યું હશે ખરું ? ઈતિહાસના પાંનાઓમાં છપાયેલી આવી રોમાંચક કથાઓમાં એક એવા કિલ્લાની કથા છે જે કિલ્લો અપરાજિત છે,
જેનેઆજ સુધી કોઈ જીતી નથી શક્યું. જંજીરા કિલ્લો પાણીની વચ્ચોવચ છે, આ કિલ્લાને મુરડ જંજીરાના (Murud-Janjira Fort) નામે પણ ઓળખવામાં આવે છે. અબ સાગરની વચ્ચે આવેલા આ કિલ્લાને જોવાની, ત્યાં જઈને તેની કથાઓ વાંચવાની મજા જ કંઈક ઔર હશે. જે લોકો રોમાંચક કથાઓના શોખીન હોય એમના માટે પણ આ જગ્યા બેસ્ટ છે.
આ કિલ્લો ક્યાં આવેલો છે ?
જંજીરા કિલ્લો મહારાષ્ટ્રમાં આવેલો છે. આ એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. જંજીરા મહારાષ્ટ્ર જિલ્લાના તટીય ગામ મુરુડની પાસે એક દ્વીપ ઉપર આવેલો છે. જો તમે મુંબઈથી અહીં ફરવા જવા માંગતા હો તો તે ૧૬પ કીમી. દૂર છે. અહી જવા માટે તમારે રાજપુરી ઘાટથી પસાર થઈને કિલ્લા સુધી પહોંચવું પડશે. જો તમે મહારાષ્ટ્રના કોંકણ તરફ ગયા હોવ તો આ કિલ્લો ચોકસ જોઈ લેવો. ત્યાંથી તે ખૂબ નજીક થશે.
કિલ્લા ઉપર એકબે વાર નહીં પણ ટોટલ બાવન વાર અલગ અલગ લોકો દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. પણ તેને એકેય વાર જીતી નથી શકાયો કે ધ્વસ્ત પણ નથી કરી શકાયો. બાવન હુમલા બાદ પણ તે અડીખમ છે.આ કિલ્લાને સિદ્દી સુરાલ ખાનના શાસનકાળમાં પૂરો કરવામાં આવ્યો હતો. ૧૭મી શતાબ્દીમાં જંજીર ક્ષેત્રના પ્રધાનમંત્રી સિદ્દી મલિકે અંબરના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો.
કિલ્લાની દીવાલો લગભગ ૪૦ ફૂટ ઉંચી બનાવવામાં આવી હતી. તેની ઉપર રર ગુંબજ બનાવવામાં આવ્યા છે. આ કિલ્લામાં તોપો પણ છે, અહીં રાખેલી તોપ આપણાં દેશની બીજા નંબરની સૌથી મોટી તોપ માનવામાં આવે છે. એ તોપનું નામ કલાક બાંગડી છે. આ કિલ્લો સવારે સાતથી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લો હરે છે. તે સમુદ્રની વચ્ચે હોવાને લીધે ત્યાં જવા માટે હોડી ને બોટમાં બેસીને જવું પડે છે.
કેવી રીતે જશો ?
આ કિલ્લા સુધી જવા માટે તમે મુંબઈ, પૂણે, અલીબાગ કે રાયગઢથી જઈ શકો છો. આ ચારેય શહેરોમાંથી સ્પેશિયલ જંજીરા કિલ્લા સુધી બસ જાય છે તેના દ્વારા તમે પહોંચી શકશો. આ સિવાય તમે પ્રાઈવેટ વાહન થકી પણ કિલ્લા સુધી પહોંચી શકો છો. અહીં ટ્રેનથી નહીં જઈ શકાય, તમારે બસ કે પ્રાઈવેટ વાહન દ્વારા જ જવું પડશે.