Western Times News

Gujarati News

સુરતમાં પાલિકાના બનાવટી કર્મચારીઓની ગેંગ ઝડપાઈ

નવી દિલ્હી, સુરત શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી, નકલી પાન મસાલા, નકલી ડોક્ટર, નકલી પોલીસ અધિકારી ઝડપાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે નકલી સુરત મહાનગરપાલિકાના કર્મચારી ઝડપાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના યુનિફોર્મ જેવા જ કપડાં પહેરીને લોકો પાસેથી ફૂડ સેફ્ટી લાઇસન્સના બદલામાં પૈસા પડાવનારા ત્રણ નકલી કર્મચારીની સુરતની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

એડવોકેટ રોહન ગોસ્વામી અને તેની સાથે રહેલી બે મહિલા સુરત મહાનગરપાલિકાના નકલી ફુડ સેફટી ઓફિસર બનીને દુકાનદારોને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કાઢવાનું જણાવતા હતા.

દુકાનદારો પાસેથી એક લાઇસન્સ માટે ૨,૭૮૦ રૂપિયા લેવામાં આવતા હતા અને પૈસાના બદલામાં દુકાનદારને નકલી એફએસએસઆઈનું લાઇસન્સ આપવામાં આવતું હતું. મહત્વની વાત છે કે આ ત્રણેય નકલી અધિકારી બનીને દુકાનદાર પાસેથી ૧૦૦ ઓનલાઇન અને ૨૬૮૦ રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે વસૂલતા હતા.

હાલ તો સુરતની સરથાણા પોલીસ દ્વારા આ ટોળકીની ધરપકડ કરી તેમને અત્યાર સુધીમાં કયા કયા વિસ્તારમાં કેટલા દુકાનદારો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે બાબતે વધુ તપાસ માટે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

સરથાણા પોલીસ મથકના ઇન્સપેક્ટર એમ.બી. ઝાલા કહે છે કે, સુરત મહાનગરપાલિકાના કર્મચારી ન હોવા છતાં પણ કર્મચારી પહેરે તેવા યુનિફોર્મ પહેરીને પોતાને મહાનગરપાલિકાના કર્મચારી તરીકે રોફ જમાવતા હતા. દુકાનદારોને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કઢાવી આપવા માટે ગ્રાહકો પાસેથી પૈસા લઈ લોકો સાથે છેતરપિંડી કરતા હતા.

આ ગેંગની ધરપકડ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી છે. ગેંગમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. સરથાણા પોલીસે બાતમીના આધારે રોહનગિરી ગોસ્વામી, કોમલ પરમાર અને શોભના જાલોધરાની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે મુખ્ય આરોપી રોહનગીરી ગૌસ્વામી પોતે એડવોકેટ છે અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં ઈશ્વરપાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.