Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરીના રીઢા ગુનેગારોની ટોળકી ઝડપાઇ

જામનગર, જામનગર સહીત સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરીનો તરખાટ મચાવનાર રીઢા ગુનેગારો ની ટોળકીનાં ત્રણ સભ્યોને જામનગરની એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી અડધા લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

જામનગર એસ.પી. કચેરી ખાતે જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. જામનગર જિલ્લાના લાલપુર, કાલાવડ અને તાલુકાના બે ગામ સહિત જામનગર જિલ્લાની ચાર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની એક મળી કુલ પાંચ ઘરફોડ ચોરીનો ગુનાંના આરોપીઓ ફરાર હતા.

જેને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી હતી દરમિયાન જામનગર એલસીબીને બાતમી મળી હતી, કે રીઢા ગુનેગારોની તસ્કર ગેંગનાં ત્રણ સભ્યો જામનગર નજીક દરેડ ગામ વિસ્તારમાં છે. આથી એલ.સી.બી.ની પોલીસ ટુકડી દોડી ગઈ હતી, અને ભરત ગંભીરભાઈ પરમાર, રણજીત ઉર્ફે બાડીયો રામજીભાઈ પરમાર, અને અર્જુન ભગવાનભાઈ ઉર્ફે ભગાભાઈ વાઘેલાને ઝડપી પાડ્યા હતા.

આ ત્રણેય આરોપીઓના કબજામાંથી રૂપિયા ૫૦,૫૦૦ ની રોકડ રકમ, ત્રણ નંગ મોબાઈલ અને એક બાઈક તથા ચક્રી પાનું અને ડીસમિસ વગેરે કબ્જે લેવામાં આવ્યા હતા. આરોપીની પોલીસ પૂછપરછમાં આ શખ્સો સૌરાષ્ટ્રભરમાં ચોરી કરવા માટે અગાઉ પકડાઈ ચૂક્યા છે.

તેઓ દિવસના મહિલાઓનાં તૂટેલા વાળ ખરીદવા માટે ફેરી કરતા હતા અને બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરતા હતા. આરોપી ભરત પરમાર સામે અગાઉ ૧૫ ગુના તથા રણજીત પરમાર સામે અગાઉ ૨૧ ગુના ઘરફોડ ચોરીના નોંધાઈ ચૂક્યા છે.

જેમાં જામનગર ઉપરાંત ભાવનગર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ વગેરે જિલ્લાની ઘરફોડ ચોરીનાં બનાવનો સમાવેશ થાય છે. જ્યારે આરોપીની વધુ પુછપરછમા આ ગેંગનો એક સભ્ય નરેશ મગન કારડીયા છે જે ફરાર હોય પોલીસ તેને શોધી રહી છે. જામનગર એસ.પી. કચેરી ખાતે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.