અમદાવાદમાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ મથકમાં ઓટોરિક્ષામાં પેસેન્જર બેસાડી તેના સામાનમાંથી રોકડા રૂપિયા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, તેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના સામાન ચોરી કરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે.
પોલીસે અમદાવાદના સરો ઉર્ફે બટ્ટમ, મોહસીન ઉર્ફે માંજરો, ફૈઝલખાન પઠાણ અને સુરતથી મુખ્ય આરોપી ફારુકખાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી એક સીએનજી ઓટોરિક્ષા અને ૪૮ હજાર રૂપિયા રોકડા મળી કુલ ૧,૨૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે અમદાવાદના બાપુનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે તેની સાથે અન્ય ત્રણ જેટલી ચોરી કરી હોવાની પણ કબુલાત આરોપીઓ દ્વારા કરવામાં આવી છે.
પોલીસ દ્વારા ચારેય આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. પેસેન્જરની નજર ચૂકવી તેનો સામાન ચોરી કરનારી આ ગેંગનો માસ્ટરમાઈન્ડ ફારુકખાન પઠાણ છે જે સુરત રહે છે.
ચોરીમાં જે ઓટો રીક્ષા વપરાય છે તેનો માલિક ફૈઝલ છે અને ઓટો રિક્ષાનો ડ્રાઈવર સરો ઉર્ફે બટ્ટમ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફારૂખખાન સુરતથી બસ મારફતે ચોરીને અંજામ આપવા માટે અમદાવાદ આવતો હતો અને આઠથી દસ દિવસ રોકાઈ ચારેય સભ્યો ચોરીઓને અંજામ આપતા હતા.