વૃદ્ધ દંપતીને રિક્ષામાં બેસાડી ઠગ ટોળકીએ ૧.૪૩ લાખના દાગીના સેરવી લીધા
દંપતીને સેકટર-૧પના રસ્તે ઉતારી ડ્રાઈવર રફુચક્કર થઈ ગયો
ગાંધીનગર, વૃદ્ધ દંપતીને રિક્ષામાં બેસાડી ઠગ ટોળકીએ રૂપિયા ૧.૪૩ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના સેરવી લીધા હોવાનો બનાવ અડાલજ પોલીસ મથકમાં નોંધાયો છે. દાગીના હાથ લાગ્યા બાદ દંપતીને સેકટર-૧પના રસ્તે ઉતારી ડ્રાઈવર સહિતની ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી.
ગાંધીનગરના સેકટર-ર૪માં રહેતા રતીલાલ પ્રજાપતિ (ઉ.૬૩) સેકટર-ર૧ માર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે. ગત તા.૧૧મી માર્ચે રતીલાલ તેમની પત્ની લીલાબેન સાથે વતન રાજસ્થાનથી એસ.ટી.બસમાં ગાંધીનગર આવવા નીકળ્યા હતા. સાંજના પાંચેક વાગે અડાલજ ત્રિ-મંદીર બસ સ્ટેન્ડ પાસે ઉતર્યા હતા ત્યાંથી સીએનજી રિક્ષામાં બેસી ગાંધીનગર આવી ગયા હતા
તે દરમિયાન રિક્ષામાં પહેલેથી મહિલા અને પુરુષ બેઠેલા હતા. આગળ જતા અન્ય બે ભાઈઓ બેસતા રિક્ષામાં સાત જણાં બેઠા હતા. એ વખતે ડ્રાઈવર પાસે ડાબી બાજુએ તેમની પત્ની તથા બીજી બાજુ કોઈ બીજાે ભાઈ બેઠો હતો અને રતિલાલ પાછળ બેઠા હતા તેમનો સામાનનો થેલો તેઓની પાછળ મુકયો હતો.
રિક્ષા સરગાસણથી આગળ જતા રિક્ષા ડ્રાઈવરે રતિલાલને આગળ અને તેમની પત્નીને પાછળ બેસવા કહ્યું હતું. જયાંથી રિક્ષા મહાત્મા મંદિરથી આગળ સેકટર-૧પના રસ્તે ડ્રાઈવરે બંનેને ઉતારી દીધા હતા અને કહ્યું હતું કે બીજા પેસેન્જરને ફતેપુરા ઉતારી તમોને લેવા આવું છું.
જાેકે ઘણી રાહ જાેવા છતાં ડ્રાઈવર રિક્ષા લઈને પરત નહી ફરતા રતિલાલને શંકા ગઈ હતી. આથી તેમણે થેલો ચેક કરતા અંદરથી રૂ.૧.૪૩ લાખના સોના ચાંદીના દાગીના મુકેલું ન હતું તે પછી રતિલાલ રાજસ્થાન જતા રહ્યા હતા. એટલે તે વખતે ફરિયાદ નોંધાવી ન હતી. તેઓ વતનથી પરત ફર્યા બાદ ફરિયાદ નોંધાવતા અડાલજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.