Western Times News

Gujarati News

અમેરિકાનાં બોર્ડર એરિયામાં માઈગ્રન્ટ્‌સને લૂંટતી ગેંગ પહેલીવાર કેમેરામાં ઝડપાઈ

નવી દિલ્હી, મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેના ઘણા કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. એટલું જ નહીં, અમેરિકામાં ઈલીગલી જતાં ઘણાય ગુજરાતીઓને મેક્સિકોમાં પણ રોબરીથી લઈને ખંડણી આપવા ઉપરાંત ટોર્ચરના પણ ભોગ બનવું પડતું હોય છે.

જોકે, અમેરિકાની બોર્ડરમાં ઘૂસ્યા બાદ પણ ક્યારેક માઈગ્રન્ટ્‌સ પર લૂંટના ઈરાદે હુમલો થઈ શકે છે, અને આવી જ એક ઘટનાનો જીવતોજાગતો પુરાવો હાલમાં જ યુનાઈટેડ સ્ટેટ્‌સ બોર્ડર પેટ્રોલ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં કેલિફોર્નિયાના ચુલા વિસ્ટાને અડીને પસાર થતી મેક્સિકો બોર્ડરની નજીકના એક એરિયામાં માઈગ્રન્ટ્‌સને હથિયાર બતાવીને લૂંટવા જઈ રહેલો એક વ્યક્તિ જોઈ શકાય છે.

USBPના જણાવ્યા અનુસાર, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ બનેલી આ ઘટનામાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં આવેલા માઈગ્રન્ટ્‌સના એક ગ્રુપને એક હથિયારધારી વ્યક્તિએ રોકીને તેને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, આ ઘટના બોર્ડર એરિયામાં લાગેલા સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશેલા ઘણા ગુજરાતીઓએ વાતચીતમાં એવા દાવા કર્યા છે કે મેક્સિકોની હદમાં લૂંટ થવી સામાન્ય વાત છે, ત્યાં માત્ર લૂંટારા જ નહીં પણ મેક્સિકોની પોલીસ અને આર્મી પણ માઈગ્રન્ટ્‌સને પકડીને તેમને ટોર્ચર કરીને તેમની પાસે જે કંઈ હોય તે પડાવી લે છે અને ક્યારેક તો જેલમાં પણ પૂરી દે છે. તો બીજી તરફ બોર્ડર ક્રોસ કર્યા બાદ પણ અમેરિકાની હદમાં પ્રવેશીને ઘણું ચાલવું પડતું હોય છે.

જોકે, અમેરિકાની હદમાં પણ કોઈ માઈગ્રન્ટને લૂંટવાનો પ્રયાસ થયો હોય તેવી કોઈ ઘટના ભાગ્યે જ અત્યારસુધી જાણવા મળી છે. આમેય જે લોકો મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને આવતા હોય છે તેમની પાસેથી ડોન્કર્સ મોબાઈલ ફોન, કિમતી ચીજવસ્તુઓ અને ડોલર્સ સહિતની તમામ વસ્તુઓ પડાવી લેતા હોય છે અને તેમની પાસે પોતાના ડોક્યુમેન્ટ્‌સ અને બે-ત્રણ જોડી કપડાં સિવાય કંઈ બચ્યું નથી હોતું.

મેક્સિકો સાઈડથી માઈગ્રનટ્‌?સને અમેરિકા તરફ લાવતા ડોન્કર્સ તેમને બોર્ડરના છેડે જ મૂકીને જતા રહેતા હોય છે અને ત્યાંથી માઈગ્રન્ટ્‌સને ઘણીવાર ખાસ્સું ચાલવાનો વારો આવતો હોય છે.

ગુજરાતી માઈગ્રન્ટ્‌સની જ વાત કરીએ તો મોટાભાગના લોકો ટેક્સાસ, એરિઝોના કે પછી કેલિફોર્નિયાની બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં દાખલ થતા હોય છે.

જોકે, કયા વ્યક્તિને કઈ બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસાડવાનો છે તે છેલ્લી ઘડીએ ડોન્કર્સ નક્કી કરતા હોય છે. ઈલીગલી અમેરિકા જવા નીકળેલા લોકોને પોતાને ક્યાં લઈ જવાઈ રહ્યા છે, ડોન્કર્સ તેમને ક્યાં ઉતારવાના છે અને અમેરિકાની હદમાં પ્રવેશીને તેમને કેટલું ચાલવું પડશે તે કંઈ જ ખબર નથી હોતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.