કટરથી સોનાના દાગીના કાપી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
અમદાવાદ, શહેરના પોશ વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડીને કટરથી સોનાના દાગીના કાપીને ચોરી કરતી ગેંગની ઝોન-૧ એલસીબીએ ધરપકડ કરી છે.
ગેંગના સભ્યો અગાઉથી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસતા હતા અને બાદમાં મહિલા પેસેન્જરને ભીડ હોવાથી આગળ પાછળ થવાનું કહીને ચોરી કરતા હતા.
પોલીસે પકડેલી આ ગેંગે નવરંગપુરા અને અડાલજમાં ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પકડાઇ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટમાં લીંબુ મરચાં કે ફુલનો હાર લગાવી દેતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
ઝોન-૧ એલસીબીના પીએસઆઇ એચ. એચ. જાડેજાની ટીમે બાતમી આધારે મહિલાઓને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ભીડનો લાભ લઇને સોનાની ચેઇન કટરથી કાપીને ચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે. પોલીસે આરોપી લાલા પટણી (રહે. મેઘાણીનગર), પ્રકાશ ઉર્ફે શૈલેષ ઉર્ફે ઓડો પટણી (રહે. અસારવા), જીગ્નેશ મસ્કે (રહે. મેઘાણીનગર) અને કનુ પટણી (રહે. બાપુનગર)ની ધરપકડ કરી નવરંગપુરા અને અડાલજમાં બનેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આરોપીઓ પાસેથી પોલીસે બે સોનાની ચેઇન, પેંડન્ટ મળીને કુલ રૂ. ૨.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓની ગેંગના સભ્યો મહિલાઓને જ પેસેન્જર તરીકે બેસાડતા હતા.
જેમાંથી ત્રણ લોકો પહેલાથી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસી જતા બાદમાં ભીડ થતાં મહિલાને આગળ પાછળ થવાનું કહીને વાતોમાં ભોળવીને સોનાની ચેઇન કટરથી કાપી નાખી રસ્તામાં ઉતારીને ભાગી જતા હતા.
આ મામલે પીએસઆઇ એચ. એચ. જાડેજાએ જણાવ્યું કે આરોપી કનુ પટણી સામે વાડજમાં અને પાટણમાં ગુના નોંધાયા છે જ્યારે આરોપી પ્રકાશ સામે પૂર્વ વિસ્તારમાં ચોરીના ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
જો કે ચોકાવનારી બાબત તો એ છે કે આરોપીઓ પોલીસની પકડમાં ન આવે તે માટે રિક્ષામાં આગળની નંબર પ્લેટ પર લીંબુ મરચાં જ્યારે પાછળની નંબર પ્લેટ પર ફુલનો હાર લગાવી દેતા હતા. જેથી કોઈ વ્યક્તિ રિક્ષાનો નંબર જોઈ ન જાય અથવા તો સીસીટીવીમાં પણ નંબર દેખાય નહીં.SS1MS