ટ્રકોને ચોરી વેચી નાંખવાનો માસ્ટર પ્લાન ધરાવતી ટોળકી ઝડપાઈ
ચોરેલી ટ્રકો ગોધરા લઈ જઈને ગણતરીના સમયમાં જ તેને કાપીને ભાગ છુટા કરી સ્ક્રેપમાં વેચી દેતા હતા.
મહેસાણા એલસીબીએ ચોરેલી ટ્રકો ભંગારમાં વેચી નાખતી ટોળકી ઝડપી, ૩ ચોરીનો ભેદ ઉકેલાયો-મહેસાણાના બે અને ગોધરાના બે મળીને ચોરીઓ કરતા હતા
મહેસાણા, ટ્રક ચોરીને ભંગારમાં વેચી દેતી ટોળકીના ત્રણ સાગરિતોને મહેસાણા એલસીબીએ ઝડપી લેતાં જિલ્લાની ત્રણ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે.
મહેસાણા એલસીબીના હે.કો. નિલેષકુમાર તથા મહેન્દ્રભાઈને મળેલી બાતમી આધારે પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.ડી.ડાભી સહિત ટીમે મહેસાણા એરોડ્રામ નજીકની ખાનગી હોસ્પિટલ પાછળ આવેલા છાપરામાંથી સિન્ધી (ડફેર) હકીમ ઉર્ફે ભોલા હમીરભાઈને ઝડપી લીધો હતો. પોલીસે ભોલાની સઘન પુછપરછ કરતા તેણે તથા
ગોધરાની મહેબુબ મસ્જિદની પાછળ સિંગલ ફળિયાના ખાલીદ અબ્દુલસલામ હુરી (મુસલમાન) અને સાજીદ મહેબુબભાઈ ચરખા (મુસલમાન)તેમજ મહેસાણા લશ્કરીકુવાના અબ્બાસ અલ્લારખા સિન્ધી (ડફેર)એ ભેગા મળીને મોટપમાંથી મિની ટ્રક, બલોલ ગામમાંથી મિની ટ્રક તેમજ રૂપાલ ચોકડી નજીક આવેલા બિરલા સિમેન્ટના ગોડાઉનેથી ટ્રક ની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
જેથી પોલીસની ટીમ ગોધરા જઈને ખાલીદ હુરી અને સાજીદ ચરખાને પણ ઝડપી લાવી હતી. જયારે અબ્બાસ સિન્ધી ઝડપાયો નથી. ઉલ્લેખનીય છે કે આ ટોળકી ચોરેલી ટ્રકો ગોધરા લઈ જઈને ગણતરીના સમયમાં જ તેને કાપીને ભાગ છુટા કરી સ્ક્રેપમાં વેચી દેતા હતા. ઉલ્લેખનીય છે કે હકીમ સિન્ધી વિરૂદ્ધ સમી પોલીસ મથક આર્મ્સ એકટ હેઠળ તેમજ અન્ય છ જેટલા ચોરીના ગુના દાખલ થયેલા છે.
ખાલીદ હુરી સામે ગોધરા, ભરૂચ અને કઠલાલ પોલીસ મથકે ચોરી સહિતના કુલછ ગુના નોંધાયેલા છે તો સાજીદ ચરખા સામે ગોધરા અને બાવલુ પોલીસ મથકે કુલ પાંચ ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું.