‘ગે’ યુવકે મિત્ર સામે સંબંધ બાંધવાનો ઈનકાર કરી દેતાં હત્યા કરાઈ હતી
ચાંદખેડામાં મળેલી યુવકની લાશનો ભેદ આખરે ઉકેલાયો
(એજન્સી)અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં નવરાત્રીની રાતે મળી આવેલી યુવકની લાશનો ભેદપોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી દેતા એક ઘરઘાટી યુવકની ધરપકડ કરી છે. ઘરઘાટી યુવકે તેના ‘ગે’ મિત્રની સજાતીય સંબંધોને લઈને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ૧પ દિવસ પહેલા ઘરઘાટી યુવકની ચાંદખેડામાં રહેતા ‘ગે’ યુવક સાથે મિત્રતા થઈ હતી.
‘ગે’ યુવકે નવરાત્રીની મોડી રાતે મિત્ર સામે સંબંધ બાંધવાનો ઈનકાર કરી દેતાં મામલો બીચક્યો હતો. ‘ગે’ યુવકે બળજબરી કરતા અંતે ઘરઘાટી યુવકે તેની હત્યા કરી દીધી હતી. યુવકે પહેલાં ‘ગે’ના મોઢા પર પથ્થર માર્યાે હતો. ત્યાર બાદ તે ગળું દબાવીને હત્યા કરીને નાસી છૂટ્યો હતો.
કલોલના ૪પ વર્ષીય જયેશભાઈ પરમાર ચાંદખેડાના સમર્થ ડુપ્લેક્સમાં રહેતા હતા અને કલોલ ખાતેની એક કંપનીમાં હાઉસ કિપિંગની નોકરી કરતા હતા. તેઓના કડી ખાતે લગ્ન થયા હતા, પરંતુ પત્ની સાથે મનમેળ ન આવતા સાતેક વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. જયેશભાઈ ગત તા.ર૦મીએ રાતે તેમના ભાણિયા હિતાર્થને ગરબા રમવા માટે મૂકવા ગયા હતા.
ત્યાં રાતના ૧૧ વાગ્યા સુધી તેઓ ઘરે પરત ન આવતાં તેમના બહેન જયોત્સનાબહેને ફોન કરીને ખૂબ મોડું થયું છે, ક્યાં છો ? તેવું પૂછતાં જયેશભાઈએ રસ્તામાં છીએ, આવીએ છીએ તેમ જણાવ્યું હતું, પરંતુ રાતના બે વાગ્યે હિતાર્થે તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે મામા હજુ લેવા આવ્યા નથી. આથી જયોત્સ્નાબહેને જયેશભાઈને અનેક ફો કર્યા હતા, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો,
જેથી હિતાર્થને તેના મિત્રના ઘરે જ સૂઈ જવાનું કહ્યું હતું. ત્યાં તા.ર૧મીએ આખો દિવસ જયેશભાઈને કરતાં રિંગ વાગતી હતી, પરંતુ તે ફોન ઉપાડતા ન હતા. સાંજે પોલીસે જયેશભાઈનો ફોન ઉપાડ્યો અને પરિવારજનોને સિવિલ બોલાવ્યા હતા.
આથી જયેશભાઈની બહેન સહિતના લોકો સિવિલ પહોંચ્યા ત્યારે પીએમરૂમ પાસે જયેશભાઈની લાશ પડી હતી. જયેશભાઈની બોથડ વસ્તુ કે હથિયારથી ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જયેશભાઈની લાશ ચાંદખેડાના વ્રજ ટેનામેન્ટની બાજુમાં ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીમાંથી મળી હતી. જયેશભાઈનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું.
પોલીસે જ્યોત્સ્નાબહેન શાહની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.જે. જાડે.જા સહિતની ટીમે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સથી હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે. હત્યા કરનાર યુવકનું નામ કમલેશ રૌત છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. કમલેશ રૌત ઘરઘાટી તરીકે નોકરી કરે છે અને ૧પ દિવસ પહેલાં તેની જયેશભાઈ સાથે મિત્રતા થઈ હતી.