Western Times News

Gujarati News

હીરા ઉદ્યોગની મંદીના કારણે એક રત્ન કલાકાર ચોર બન્યો

સુરત, સુરત શહેરમાં હીરા ઉદ્યોગની મંદીના કારણે એક રત્ન કલાકાર ચોર બન્યો હોવાની ઘટના સામે આવી છે. હીરા ઉદ્યોગમાં સતત મંદીના માહોલ વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. જેથી પરિવારનું ગુજરાન ચલાવવા યુવાને અન્યો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા.

આ રૂપિયાની ભરપાઈ ન થઈ શકતા આખરે એક યુવાને ઉતરાણ વિસ્તારમાં આવાસની અંદર રહેલા ફાયર સેફ્ટીના સામાનની ચોરી કરી હતી. ચોરી કરવા જતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ઉતરાણ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતના ઉતરાયણ વિસ્તારમાં સુમન આવાસની અંદર રહેલા ફાયર સેફટીના સમાનની એક વ્યક્તિએ ચોરી કરી હતી. ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી સ્થળ પર જઈ તપાસ કરતા આવાસમાં રહેલ પિત્તળની ૬૨ ફાયર ગન તેમજ પીતળના ૮૧ જેટલા વાલની ચોરી થઈ હતી. જેની કિંમત અંદાજિત ૧.૩૯ લાખ થાય છે.

આ સમગ્ર મામલે પોલીસે તપાસ દરમ્યાન સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક યુવાન બપોરના સમયે આવીને એક બાદ એક એમ તમામ વસ્તુ લઇ જાય છે અને ફાયર સેફટીના સામાનની ચોરી કરતો દેખાયો હતો. જેથી પોલીસે આ આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી.

જેમાં પોલીસે ઉતરાણ વિસ્તારમાંથી આરોપી નિતીન રાદડિયાની ધરપકડ કરી લીધી હતી અને તેની પાસે રહેલો તમામ ફાયર સેફટીનો ચોરીનો સામાન કબજે કર્યો હતો. આરોપી નિતીન રાદડિયાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લા ચાર વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. પરંતુ સતત હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું.

જેથી તેણે છ મહિના પહેલા હીરાનું કામ છોડી દીધું હતું ત્યાર બાદ તેણે ટેક્સટાઇલ માર્કેટમાંથી આવતી સાડીઓમાં સ્ટોન લગાવવાનું પણ કામ શરૂ કર્યું હતું. એમાં પણ તેને નુકસાની આવી હતી. જેથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે બારોબારથી ઉછીના રૂપિયા લીધા હતા.

જેને ચૂકવવા માટે તેમણે સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલા સુમન આવાસમાંથી ફાયર સેફ્ટીના સાધનની ચોરી કરી આ સામાન વહેંચી તેમણે ઉછીના લીધેલા રૂપિયા ભરપાઈ કરવાનું વિચાર્યું હતું.
આરોપી ચોરી કરતો હતો તે દરમિયાન આવાસમાં લાગેલા સીસીટીવીમાં તે કેદ થઈ ગયો હતો.

તેથી પોલીસે તેમની ધરપકડ કરી ૬૨ ફાયર ગન અને પિત્તળના ૮૧ વાલ મળી કૂલ દોઢ લાખથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.