૨૧ વર્ષ બાદ પોતાના અસલી મા-બાપને શોધવા ભારત આવી યુવતી
લખનૌ, અનાથ બાળકોને દત્તક લેવામાં આવે ત્યારે તેમના મનમાં આશા અને ઉમંગ જાગે છે કે તેમનો પોતાનો એક પરિવાર બનશે અને તેઓ સુખેથી રહેશે. ભારતમાંથી અનાથ બાળકોને કેટલાય વિદેશીઓ દત્તક લઈ જાય છે. જે બાળકને ભારતમાં મા-બાપે તરછોડી દીધું હતું તે વિદેશી ધરતી પર જઈને નવા આકાશને આંબે છે.
પરંતુ કેટલાક કમનસીબ બાળકો નવા મા-બાપ પાસેથી પણ એ પ્રેમ નથી મળી શકતો જેની ઝંખના તેમને હોય છે. ૨૧ વર્ષ બાદ ભારત પાછી ફરેલી રાખી ઉર્ફે મહોગની એમ્બરકાઈ સાથે પણ કંઈક આવું જ બન્યું છે. લખનૌના શિશુગૃહમાં રહેતી રાખીને બે દશકા પહેલા અમેરિકાની એક મહિલાએ દત્તક લીધી હતી. પરંતુ હવે તે ભારત પાછી ફરી છે અને પોતાના અસલ મા-બાપને શોધી રહી છે.
૨૦૦૦ની સાલમાં રાખીને લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પાસે ત્યાગી દેવાઈ હતી. એ વખતે તેની ઉંમર ફક્ત ૩ વર્ષ હતી. જે બાદ તેને સ્થાનિક શિશુગૃહમાં મોકલી દેવાઈ હતી. બે વર્ષ બાદ એટલે કે ૨૦૦૨માં કેરોલ બ્રાન્ડ નામની અમેરિકન મહિલાએ રાખીને દત્તક લીધી હતી. મા-બાપ વિના ઉછરી રહેલી રાખીને અમેરિકામાં સારું જીવન મળશે તેમ અનાથ આશ્રમના સંચાલકોએ વિચાર્યું હતું પરંતુ ક્યાં ખબર હતી કે, ફ્લાઈટમાં બેસતાની સાથે જ રાખીના દુઃખના દિવસો શરૂ થયા હતા.
અમેરિકાના મિનેસોટાની કેરોલે એડોપ્શન માટે નકલી પ્રોફાઈલ તૈયાર કરીને સબમિટ કરી હતી. કથિત રીતે કેરોલ ડ્રગ્સ અને દારુની બંધાણી હતી. તે રાખીને પણ સારી રીતે રાખતી નહોતી અને ગેરવર્તન કરતી હતી. તેના આ વ્યવહારના રાખીના કુમળા માનસ પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેની છાપ આજ સુધી અકબંધ છે.
૨૦ વર્ષની વયે રાખીએ પોતાનું નામ બદલીને મહાગોની એમ્બરકાઈ કરી દીધું છે. પરિસ્થિતિ સામે લડતાં લડતાં તે ખૂબ મજબૂત થઈ ગઈ છે. જેથી તેણે પોતાનું નામ પણ એ જ દર્શાવતું કારનું મજબૂત ઝાડ છે અને એમ્બરકાઈ શબ્દની વ્યુત્પત્તિ એમ્બર પરથી થઈ છે, જેનો અર્થ થાય છે ધીમે સળગતું લાકડું. પોતાના ઘાને દબાવીને આપવીતી વર્ણવતા રાખીએ અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “ધીમે ધીમે મારા અભ્યાસ અને જીવનનિર્વાહનો ખર્ચ હું જાતે જ ઉપાડવા લાગી હતી.
૧૨ વર્ષની વયે હું બેબીસીટિંગ કરવા લાગી જેથી કેરોલ સાથે રહેવાનું ભાડું ચૂકવી શકું. ૧૮ વર્ષની થઈ ત્યારે કેરોલે મને ઘરમાંથી કાઢી મૂકી જેથી હું યુનિવર્સિટી કેમ્પસમાં રહેવા મજબૂર થઈ હતી.”
“હું નાની હતી ત્યારે કેરોલે મને શાબ્દિક, શારીરિક, માનસિક દરેક પ્રકારનો ત્રાસ આપ્યો હતો. મિનિસોટાના હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટરની તે ફ્રોડ ઈન્વેસ્ટિગેટર હતી અને મને દત્તક લેવા માટે તેણે પોતાની ફેક પ્રોફાઈલ તૈયાર કરી હતી. તેના ક્રૂર સ્વભાવના કારણે મારા ક્લાસનું એક પણ વિદ્યાર્થી મને સાંત્વના આપવા પણ નહોતું આવી શકતું.
બાળપણમાં હું તેનાથી ખૂબ ડરતી હતી જેથી ક્યારેય તેના સ્વભાવ સામે કોઈને ફરિયાદ નહોતી હતી. જાેકે, મેં તેની બહેન નેન્સીને આ વિશે જાણ કરી હતી પરંતુ તેણે કોઈ મદદ ના કરી”, તેમ ૨૬ વર્ષીય રાખીએ જણાવ્યું.
રાખી ભણી-ગણીને ડૉક્ટર બનવા માગતી હતી પરંતુ તેને દત્તક લેનારી મા કેરોલ તેના અભ્યાસમાં સહેજ પણ મદદ ના કરી. રાખીએ યુનિવર્સિટી ઓફ મિનિસોટામાંથી હેલ્થ સાયન્સમાં ડિગ્રી લીધી છે. રાખીનો આક્ષેપ છે કે, કેરોલે તેને ક્યારેય પ્રેમ નથી આપ્યો. કેરોલને તેના પરિવાર અને મિત્રોએ બાળક દત્તક લેવાની સલાહ આપી હતી. રાખીએ આગળ કહ્યું, “કેરોલ મા બનવાને લાયક હતી જ નહીં. અમેરિકાની જે એજન્સીએ કેરોલની વિગતો ભારતીય એજન્સીઓને આપી હતી, હવે તે અસ્તિત્વમાં જ નથી રહી.”
કહેવાય છે ને કે જેમ સુખ લાંબુ નથી ટકતું એમ દુઃખ પણ કાયમી નથી હોતું. રાખીની જિંદગીમાં પણ આખરે સુખ આવ્યું. ૨૦૧૬માં કેરોલે આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ રાખીના જીવનમાં શાંતિ આવી હતી. કેરોલની વસ્તુઓમાંથી રાખીને એક કાગળ મળી આવ્યો હતો, જેના આધારે તેને જાણકારી મળી કે, ૨૦૦૨માં તેને લખનૌમાંથી દત્તક આપવામાં આવી હતી.
મિનિસોટામાં ફૂલ ટાઈમ કેફે મેનેજર અને પાર્ટ ટાઈમ મોડલ રાખીએ પોતાના મૂળ સુધી એટલે કે અસલી મા-બાપ સુધી પહોંચવા માટે બચત કરવાનું શરૂ કર્યું. હાલ રાખી પોતાના ફોટોગ્રાફર મિત્ર ક્રિસ્ટોફર સાથે લખનૌ આવી ગઈ છે અને પોતાના બાયોલોજિકલ મા-બાપને શોધવા માટે ગલીએ-ગલીએ ભટકી રહી છે. પોતાના અસલી મા-બાપને શોધીને તે તેના જીવનમાં અને હૃદયમાં રહેલા ખાલીપાને દૂર કરવા માગે છે. રાખીને પોતાની જન્મ તારીખ પણ ખબર નથી.
રાખીએ કહ્યું, “ઘણાં વર્ષો સુધી ત્રાસ સહન કર્યા પછી હવે હું જાણવા માગુ છું કે મારા અસલી મા-બાપ કોણ છે અથવા તો ભારતમાં મારું કોઈ ઓળખીતું રહે છે કે નહીં. મને લીલાવતી બાળગૃહમાંથી દત્તક આપવામાં આવી હતી અને ચારબાગના ગવર્નમેન્ટ રેલવે પોલીસે મારું રેસ્ક્યૂ કર્યું હતું. જેથી આ બંને સ્થળોની મેં મુલાકાત લીધી પરંતુ ત્યાંથી કોઈ માહિતી ના મળી શકી. યુપી કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલફેર મને કેટલાક દસ્તાવેજાે બતાવ્યા અને તેના પરથી સાબિત થયું કે, ૨૦૦૨માં કેરોલે મને દત્તક લીધી હતી.
પરંતુ હું મારા અસલી માતાપિતાને મળવા માગુ છું.” પોતાના માતાપિતાને શોધવાના મિશન સાથે ભારત આવેલી રાખી ૯ સપ્ટેમ્બરથી ઈન્દિરાનગરમાં મકાન ભાડે લઈને રહે છે. ક્રિસ્ટોફર અને ટેક્સી ડ્રાઈવર રાજ કમલ સાથે રોજ તે પોતાના મા-બાપને શોધવા નીકળી પડે છે.
“ડૉક્યુમેન્ટ્સ પરથી ખબર પડી કે, ચારબાગ ખાતેથી મને રેસ્ક્યૂ કરવામાં આવી ત્યારે મારા ફ્રોક ઉપર એક ટેગ હતું અને તેમાં રાખી લખેલું હતું. આ સિવાય કોઈ માહિતી કે રેકોર્ડ નથી જેના આધારે મારા મા-બાપની ઓળખ થઈ શકે કે તેમને શોધવાની દિશા મળી શકે. મને આશા છે કે, હું મા-બાપને શોધીને જ રહીશ અને જ્યારે તેમને મળીશ ત્યારે ભેટી પડીશ”, તેમ રાખીએ ઉમેર્યું. રાખી ઓક્ટોબરના પહેલા અઠવાડિયે અમેરિકા પાછી ફરવાની છે.
રાખીના ફ્રેન્ડ ક્રિસ્ટોફરે અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “મહાગોની એમ્બરકાઈ સાથે મારી મુલાકાત ૭ વર્ષ પહેલા થઈ હતી. એ વખતે તે ઘરવિહોણી હતી. તે ખૂબ મજબૂત મહિલા છે અને તેણે પોતાના મા-બાપને શોધવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. તેણે પોતાના મા-બાપ અથવા તો ભારતમાં કોઈપણ ઓળખીતા વ્યક્તિને શોધવા માટે ૩ હજાર ડોલરની પ્લેનની ટિકિટ ખરીદી હતી.”
લખનૌના ડિસ્ટ્રિક્ટ પ્રોબેશન ઓફિસર વિકાસ સિંહે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું, “અમે અમારાથી બનતી બધી જ મદદ મહાગોનીને કરીશું. વર્ષો પહેલા દત્તક લેવાની પ્રક્રિયામાં કેટલાય છીંડા હતા અને આવા શંકાસ્પદ લોકો તેનો ગેરલાભ ઉઠાવતા હતા. જાેકે, હવે નિયમો વધુ કડક અને પારદર્શક કરી દેવામાં આવ્યા છે.”SS1MS