વટવામાં આવાસ તોડવાની કામગીરી વખતે ખોદેલા ખાડામાં પડતા બાળકીનું મોત
નવી દિલ્હી, વટવામાં આવાસો ફાળવણી વગર તોડી પાડવામાં આવ્યા હોવાના વિવાદ બાદ હવે મકાનો તોડવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં પડી જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત થયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં પૂરાણ કરવામાં આવ્યું ન હોવાથી વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જેમાં રમતા રમતા બાળકી પડી જતાં તેનું મોત નિપજ્યું હતું.
ઘટનાના પગલે વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતો. મ્યુનિ. દ્વારા વટવા વિસ્તારમાં આવાસ યોજના અંતર્ગત મકાનો તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે, આ મકાનો પૈકી ૧૬૦૦ મકાનો ફાળવવામાં આવ્યા ન હતા અને તેને તાજેતરમાં તોડી પાડવામાં આવતા ભારે વિવાદ થયો હતો.
આ મકાનોની ફાળવણી થઈ ન હતી અને તે પહેલા જ જર્જરીત થઈ જતાં તોડી પાડવામાં આવતા વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં પણ સત્તાધારી પક્ષ પર પસ્તાળ પાડી હતી. મકાનો તોડવાની કામગીરી કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી.
જેથી કોન્ટ્રાક્ટર દ્વારા મકાન તોડવાની કામગીરી વખતે ત્યાં ૧૦ ફૂટ મોટો ખાડો ખોદ્યો હતો. દરમિયાન, મકાનો તોડવામાં આવ્યા છે તેની આસપાસના વિસ્તારમાં લોકો છાપરા બનાવી વસવાટ કરે છે. સોમવારના રોજ નજીકમાં રહેતી પ્રીતિ નામની ૩ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી અને ત્યારબાદ આ ખાડા પાસે ગઈ હતી. જ્યાં રમતા રમતા તે ખાડામાં પડી ગઈ હતી.
મોડી સાંજ સુધી બાળકી ન મળતા પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી. છેવટે ખાડા પાસે તપાસ કરતા તેમાંથી બાળકી મળી આવી હતી.SS1MS