મહેસાણાની યુવતિને ગાંધીનગર બોલાવી અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મનો પ્રયાસ
મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે યુવક સહિત ૧૦ વિરુદ્ધ ગુનો નોંધાયો
મહેસાણા, મહેસાણાની યુવતીને પરિચિત યુવકે ધમકી આપી ગાંધીનગર બોલાવ્યા બાદ તેનું અપહરણ કરી વિવિધ જગ્યાએ લઈ જઈ માણસાના દેલવાડ ગામે રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા યુવક સહિત ૧૦ જણા સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
મહેસાણાની એક યુવતિના પરિચયમાં આવેલા માણસા તાલુકાના દેલવાડ ગામના પ્રેમકુમાર દિપકકુમાર અડાલજાએ યુવતીને ‘તું મને સાડા ચાર વાગ્યે એસટી બસમાં બેસીને ગાંધીનગર ખાતે મળવા આવ નહિતર હું તારું મહેસાણાથી અપહરણ કરી અને તારા ઘરે તારા મમ્મી-પપ્પાને આપણી વાત કહી દઈશ’ એવી ધમકી આપતા ગત ર૦ જૂને યુવતી ગાંધીનગર ગઈ હતી
જયાં પ્રેમકુમાર તથા હિમાશુ નામનો યુવક તેણીને ધમકાવી બાઈક પર બેસાડી કોબા સર્કલ હોટલ ઉપર તથા કોબા આઈમાતાના મંદિરે લઈ ગયા હતા. પ્રેમકુમારે યુવતીને આખી રાત ત્યાં રાખી હતી. યુવતી પોતાના ઘરે જવાનું કહેતી હોવા છતાં ન જવા દઈ ગાંધીનગરથી અમદાવાદ લાલ દરવાજા લઈ ગયા હતા
અને ત્યાંથી પરત ગાંધીનગર બાદ અન્ય છ જેટલા લોકોની મદદથી ગાડીમાં તેણીને બળજબરીથી બેસાડી અપહરણ કરીને માણસા તાલુકાના દેલવાડ ગામની સીમમાં પ્રેમકુમારના ભેંસોના તબેલા ઉપર લઈ ગયા હતા જયાં બે મહિલાઓ પણ હાજર હતી.
યુવક તેમજ આ બે મહિલાઓ સહિત નવ જણાએ પ્રિપ્લાન મુજબ યુવતીને પ્રેમકુમાર સાથે સંબંધ બાંધવા મજબુર કરવા વાતચીત કરી તેમના ઘરે લઈ ગયા હતા અને તેણીને એક રૂમમાં ગોંધી રાખી હતી જયાં પ્રેમકુમારે તેણી સાથે અડપલા કરી શરીર સંબંધ બાંધવા મજબુર કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.
આ બાબતે યુવતીએ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે પ્રેમકુમાર દીપકકુમાર અડાલજા પ્રવિણકુમાર ચુંથાલાલ મકવાણા (છનાવડ, તા.કલોલ) નરેશકુમાર શામળભાઈ રાઠોડ (અમદાવાદ), દીપકકુમાર મફતલાલ પરમાર, સંજયભાઈ ગોવિંદભાઈ પરમાર, ધર્મેન્દ્ર ગોવિંદભાઈ પરમાર, ગોવિંદભાઈ સોમાભાઈ પરમાર, વર્ષાબેન મફતલાલ પરમાર, ઉષાબેન મફતલાલ પરમાર (સાતેય રહે. દેલવાડ, તા.માણસા) અને હિમાંશુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.