Western Times News

Gujarati News

ડાંગ જિલ્લાના આ ગામની યુવતીને ખો-ખો વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ

આજથી ૧૯ જાન્યુઆરી સુધી યોજાનાર ખો-ખો વર્લ્ડ કપમાં ભારત વતી ખો-ખો રમશે- સુબીર તાલુકાના બીલીઆંબા ગામની યુવતી ઓપીના ભીલારને ખો-ખો વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ

(માહિતી) આહવા, ડાંગ જિલ્લાની મુળ વતની એવી ઓપીના ભીલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખો- ખો રમતમા પોતાનુ નામ રોશન કર્યું છે. ઓપીના ભીલાર આગામી તારીખ ૧૩ થી ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન પ્રથમ વખત દિલ્હી ખાતે આયોજીત, ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારત દેશની ટીમ સાથે ભાગ લેવા જઇ રહી છે.

તાપી અને ડાંગ જિલ્લાના સરહદિય વિસ્તારમા આવેલા સુબીર તાલુકાના બીલીઆંબા ગામના આદિવાસી પરિવારની આ દિકરી ઓપીના ભીલાર, ખો-ખોના વર્લ્ડ કપમા ભાગ લેવા જઇ રહી છે, તે ડાંગ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. વ્યવસાયે ખેતી કામ કરતા બીલીઆંબા ગામના શ્રી દેવજીભાઇ ભીલારના ત્રણ સંતાનો છે.

જે પૈકીની એક એવી આ સુપુત્રી ઓપીના ભીલારે, ધોરણ-૧ થી ૮ ધોરણ સુધીનો પ્રાથમિક અભ્યાસ, બીલીઆંબા પ્રાથમિક શાળામા પુર્ણ કર્યો છે. વર્ષ ૨૦૧૪ મા ધોરણ ૮ પાસ કર્યા બાદ, ઉચ્ચ અભ્યાસ માટે સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ યોજના હેઠળ વ્યારા ખાતે ચાલતી ડી.એલ.એસ.એસ. તાપી ખાતે વર્ષ ૨૦૧૪-૧૫ થી ખો-ખોની ઘનિષ્ઠ તાલીમ મેળવી હતી.

ત્યાર બાદ દાબુ કેળવણી મંડળ દ્વારા સંચાલીત આર્ટસ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે અભ્યાસ કરી, વર્ષ ૨૦૧૯-૨૦ થી સેન્ટર ઓફ એક્સલન્સી યોજના હેઠળ કાર્યરત રહી, ઓપીના ભીલાર વર્ષ ૨૦૧૭થી વર્ષ ૨૦૨૧ સુધી ખેલો ઇન્ડિયા સ્કીમનો લાભ મેળવી રહ્યા છે.

હાલમા આ યુવતિ સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્‌ર્સ યુનિવર્સિટી મા ખો-ખો રમતમા ડિપ્લોમાનો અભ્યાસ કરી રહી છે. ભારતીય ખો-ખો ટીમમા પસંદગી પામી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ખ્યાતિ હાંસલ કરનાર સુશ્રી ઓપીના ભીલારે, શાળા તથા જિલ્લા કક્ષાએ અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે. આ સાથે જ રાજ્યકક્ષાની ૪ સ્પર્ધાઓમા તેણીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. તો ૧૪ જેટલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામા પણ તેણી ભાગ લઈ ચુકી છે.

જેમા તેણીએ ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. ઓપીના ભીલારની ભારતીય ટીમમા પસંદગી થતા, તેણીની આ સિદ્ધિથી બીલીઆંબા ગામ, અને ડાંગ જિલ્લાની સાથે સાથે ગુજરાત રાજ્યનુ પણ નામ રોશન થવા પામ્યુ છે. જેને લઈને સમગ્ર રાજ્યના ખો-ખો પ્રેમીઓ તરફથી વર્લ્ડ કપ-૨૦૨૫ માટેની શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.