ગુજરાતી મૂળની યુવતી લંડનના હેકની બારો કાઉન્સિલમાં સ્પીકર બની
લંડનના હેકની બારો કાઉન્સિલમાં ગુજરાતી મૂળની ૨૫ વર્ષની યુવતી હુમૈરા ગરાસિયાએ સૌથી યુવા સ્પીકરનો રેકોર્ડ નોંધાવ્યો છે. મૂળ વલસાડના ગુજરાતી પરિવારમાં જન્મેલી હુમૈરા ૧૫ વર્ષની વયથી જ વિદ્યાર્થી સંગઠનોમાં સક્રિય થઈ હતી અને રાજકારણમાં જાડાઈ હતી. ૨૧ વર્ષની વયે હુમૈરા કાઉન્સિલમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી.
લંડનના હેકની બોરો કાઉન્સિલમાં ગુજરાતી મૂળની ૨૫ વર્ષની હુમૈરા ગરાસિયા સ્પીકર બની હતી. લંડનના બારો કાઉન્સિલમાં સૌથી યુવા સ્પીકર બનીને હુમૈરાએ રેકોર્ડ બનાવ્યો હતો. એ કાઉન્સિલની સૌથી યુવા સ્પીકર છે. હુમૈરા ગરાસિયાનો પરિવાર મૂળ વલસાડથી બ્રિટન સ્થાઈ થયો હતો.
તેના પિતા રફીક અહેમદ વલસાડના નાના તૈવાદના છે અને માતા નઝમા ભરૃચના છે. આ દંપતી ૩૫ વર્ષ પહેલાં બ્રિટન સ્થાઈ થયું હતું. બ્રિટનમાં જન્મેલી હુમૈરાએ લંડન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેના પિતા રફીક અહેમદ લંડનમાં એક ગોદામમાં કાર્યરત છે.
૧૫ વર્ષની વયથી જ વિદ્યાર્થી સંગઠનોના માધ્યમથી રાજકારણમાં આવેલી હુમૈરા ૨૦૧૮માં ૨૧ વર્ષની વયે કાઉન્સિલની સભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી. મે-૨૦૨૨માં ફરીથી એ કાઉન્સિલના સભ્યપદે ચૂંટાઈ હતી. સ્પીકરનો મહત્વનો હોદ્દો સંભાળવાની શરૃઆત કરનારી હુમૈરા ગરાસિયાએ કહ્યું હતું કે એ સ્પીકર તરીકે સમાનતા અને રંગભદ જેવા મુદ્દા પર ધ્યાન આપશે. હુમૈરા ગરાસિયાનો પરિવાર દર વર્ષે બે વર્ષે વલસાડ આવે છે.