ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન થયું
સુરત, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ તનાવ અનુભવતા હોય છે. દસમા અને બારમાનાં આ વિદ્યાર્થીઓ તનાવમુક્ત રીતે પરીક્ષા આપે અને હવે પછીનાં ટૂંકા સમયમાં કઈ રીતે અભ્યાસક્રમને રીફર કરે તે અંગેનો માર્ગદર્શન કાર્યક્રમ મોડેલ હાઇસ્કુલ, નિઝર ખાતે યોજવામાં આવ્યો.
સુરતથી પધારેલ મોટીવેશનલ સ્પીકર અને શિક્ષણવિદ્ પ્રકાશભાઈ પરમાર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં પરીક્ષા એ કોઈ પનોતી નથી પણ પરીક્ષા એ પર્વ છે એને તહેવારની જેમ ઉજવવા માટે કેવી પૂર્વ તૈયારી કરવી તે અંગે જુદા જુદા ઉદાહરણો અને એક્ટિવિટી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનું સિંચન કરી, સ્વસ્થ રીતે પરીક્ષા આપવા માટેની ટીપ્સ આપવામાં આવી હતી.
શાળાનાં આચાર્ય ગુલસીંગભાઇ દ્વારા મુખ્ય મહેમાનનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. શાળાનાં શિક્ષિકા રેનીશા મેડમે આજનાં વક્તાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ યોજાયો જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા સંદર્ભે પડતી મુશ્કેલીઓ અને એમના મનમાં ઉઠતાં પ્રશ્નો વિશે ચર્ચા કરી મૂંઝવણનો ઉકેલ મેળવ્યો હતો. કાર્યક્રમનાં અંતે ઉપાચાર્ય હેમલભાઈએ સમગ્ર કાર્યક્રમની સમરી આપી આભાર વ્યક્ત કર્યો હતો.