Western Times News

Gujarati News

અભૂતપૂર્વ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સીમાચિહ્ન એવા BAPS હિન્દુ મંદિર, અબુધાબીના લોકાર્પણના એક વર્ષની ભવ્ય ઉજવણી

UAEના સહિષ્ણુતા મંત્રી, ભારતના યુ.એ.ઈ. ખાતેના રાજદૂત, સ્થાનિક અગ્રણીઓ સહિત કુલ 2000 ભક્તો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ વિશિષ્ટ કાર્યક્રમમાં આ ઐતિહાસિક મંદિરના સર્વતોમુખી પ્રદાનને બિરદાવવામાં આવ્યું   

એક વર્ષમાં 22 લાખ દર્શનાર્થીઓએ લીધી આ મંદિરની મુલાકાત 

ગત વર્ષે 14 ફેબ્રુઆરી, 2024, વસંત પંચમીના શુભ દિને અબુધાબીના ભવ્ય અને અદ્વિતીય મંદિરનો ઐતિહાસિક લોકાર્પણ સમારંભ યોજાયો હતો. માનવીય ઇતિહાસના એક સ્વર્ણિમ અધ્યાય સમા આ મંદિરના લોકાર્પણના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે, તા 16 ફેબ્રુઆરી, 2025ના રોજ બી.એ.પી.એસ. હિન્દુ મંદિર, અબુધાબી ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજાઇ ગયો,

જેમાં મંદિરના લોકાર્પણના એક વર્ષની સાથે સાથે યુ. એ. ઈ. ના ‘યર ઓફ કોમ્યુનિટી’ ની ભવ્ય ઉજવણી યુ.એ.ઈ. સરકારના નેતાગણ, સ્થાનિક અગ્રણીઓ અને ભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. A grand celebration of one year since the inauguration of BAPS Hindu Temple, Abu Dhabi, an unprecedented spiritual and cultural landmark

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમના પેટ્રન તરીકે યુ.એ.ઈ. ના સહિષ્ણુતા મંત્રી (મિનિસ્ટર ઓફ ટોલરન્સ) મહામહિમ શેખ નહયાન મબારક અલ નહયાન પોર્ટુગલથી ખાસ આ કાર્યક્રમ માટે પધાર્યા હતા. તેઓની સાથે પ્રેસિડેન્શિયલ કોર્ટના વિશેષ બાબતોના સલાહકાર એવા મહામહિમ શેખ મોહમ્મદ બિન હમદ બિન તહનૂન અલ નહયાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત 450 કરતાં વધુ મહાનુભાવો, રાજદૂતો, સરકારી અધિકારીઓ, ધાર્મિક અગ્રણીઓ, 300 કરતાં વધુ સ્થાનિક અગ્રણીઓ સાથે કુલ 2000 ભક્તો, મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આજના દિવસે 11,000 જેટલાં દર્શનાર્થીઓ મંદિરની મુલાકાતે આવ્યા હતા.

‘મંદિર: ધ હાર્ટ ઓફ કોમ્યુનિટી’ થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં યુ.એ.ઈ. માં ભારતના રાજદૂત શ્રી સંજય સુધીર, કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ મહામહિમ ડૉ. મુગીર ખામિસ અલ ખાઈલી, અબુધાબી પોલીસના કમાન્ડર-ઇન-ચીફ મહામહિમ જનરલ અહેમદ સૈફ બિન ઝૈતૂન અલ મુહૈરી વગેરે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મંદિરની ઉપલબ્ધિઓની ઝાંખી કરાવતી વીડિયો પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારબાદ યુ.એ.ઈ. ના સહિષ્ણુતા મંત્રી મહામહિમ શેખ નહયાન મબારક અલ નહયાને એકતા, સંવાદિતા, શાંતિ અને સેવાના ઉદાહરણરૂપ આ મંદિર વિષે તેઓના સંબોધનમાં કહ્યું, “આ સુંદર મંદિર સ્થાનિક સમુદાયમાં એકતા પ્રેરવાનું કાર્ય કરી રહ્યું છે.”

આ સમગ્ર કાર્યક્રમની મંદિરના સર્વતોમુખી પ્રભાવને ઉજાગર કરતા અલગ-અલગ છ તબક્કામાં પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં મહાનુભાવો દ્વારા મંદિર વિષે સ્વાનુભવો રજૂ થયા હતા.

પહેલો તબક્કો: ગ્લોબલ કોમ્યુનિટી – ભારતના યુ.એ.ઈ. ખાતેના રાજદૂત શ્રી સંજય સુધીરે જણાવ્યું, “ભારત અને યુ.એ.ઈ. વચ્ચેની મિત્રતાનું સૌથી સબળ, અનુભવી શકાય તેવું કોઈ સ્વરૂપ હોય તો તે આ મંદિર છે.”

બીજો તબક્કો: ઇન્ટરફેઇથ હાર્મની – બોહરા મુસ્લિમ સમુદાયના અગ્રણી ઉદ્યોગપતિ મુફદ્દલ અલીએ જણાવ્યું કે ‘આ મંદિરમાંથી વહેતી આંતરધર્મીય સંવાદિતા અને સર્વસમાવેશક્તાની ભાવનાના અનુભવે તેઓને મંદિરમાં તે પ્રદેશની સૌથી મોટી ‘3D પ્રિન્ટેડ વોલ’ (વોલ ઓફ હાર્મની)ના દાનની પ્રેરણા આપી.’

ત્રીજો તબક્કો: કોમ્યુનિટી વેલ્યુઝ – સ્થાનિક અગ્રણી શ્રી ઝુબિન કાકરિયાએ પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે ‘મંદિરે તેઓના બાળકોમાં સનાતન મૂલ્યોના સિંચનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે; મંદિર બાળકોને એવું વાતાવરણ પૂરું પાડી રહ્યું છે, જે સેવાના મૂલ્યોને સીંચીને ચારિત્ર્ય નિર્માણ કરે છે.’

ચોથો તબક્કો: ઇનર સ્ટ્રેન્થ – ઉભરતા ટેનિસ ખેલાડી હર્ષ પટેલે જણાવ્યું કે ‘એક ખેલાડી તરીકે તેમની સફરમાં મંદિર સ્પષ્ટતા, એકાગ્રતા અને ખંત કેળવવા માટે પ્રેરણાનો સ્રોત બની રહ્યું છે.’

પાંચમો તબક્કો: ફેઈથ – મંદિરમાં ગેસ્ટ સર્વિસિસ વિભાગના મુખ્ય વ્યક્તિ તરીકે અને અગાઉ આંતરરાષ્ટ્રીય શાળાઓના નિરીક્ષક એવા શ્રી  ઉમેશ રાજાએ જણાવ્યું કે ‘ફક્ત ભક્તો માટે જ નહીં, પરંતુ હજારો મુલાકાતીઓ માટે મંદિર એવું સ્થાન છે, જે સૌની શ્રદ્ધાને પ્રજ્વલિત કરે છે, તેઓને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે.’

અંતિમ તબક્કો: ઇનર હેપ્પીનેસ – કાર્યક્રમના સમાપનમાં પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ મંદિર નિર્માણમાં ભૂમિના દાનથી લઈને મંદિરનું ઉદાર હૃદયે સ્વાગત કરવા બદલ યુ.એ.ઈ. ના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો, સાથે-સાથે સ્વયંસેવકોનો તેમજ દાતાઓનો તેઓના નિસ્વાર્થ સમર્પણ અને ઉદારતા માટે આભાર માન્યો હતો.

તેમણે જણાવ્યું કે એક વર્ષમાં 22 લાખ જેટલાં મુલાકાતીઓએ મંદિરની મુલાકાત લીધી, મંદિર દ્વારા 13 લાખ મીલ્સ જેટલી નિ:શુલ્ક ભોજન સેવા થઈ, 1000 થી વધુ ધાર્મિક વિધિઓ થઈ, 20 જેટલાં લગ્નો આયોજિત થયા. તેમણે જણાવ્યું કે આ આંકડા વાસ્તવમાં મંદિરના ઊંડા પ્રભાવ અને હેતુને ઉજાગર કરે છે, તે છે – લોકોને એકબીજાની નજીક લાવવા, તેઓમાં ખુશી પ્રસરાવવી, તેઓમાં મૂલ્યોનું સંવર્ધન કરવું.

તેમણે જણાવ્યું કે ‘મંદિર જે-તે સ્થાન, સમુદાયનું હૃદય છે, એક એવું સ્થાન, જે આત્માનું પોષણ કરે છે અને સમાજને મજબૂત કરે છે. જીવનમાં બધું પ્રાપ્ત કર્યા પછી પણ વ્યક્તિ કોઈક એવી પરિપૂર્ણતાને શોધે છે જે ખરીદી કે માપી શકાતી નથી. આ ખૂટતા તત્વને મંદિર પૂરું પાડે છે, તે છે  – આંતરિક આનંદ. મૂલ્યોના સિંચન દ્વારા નિસ્વાર્થ સેવાની પ્રેરણા આપતા મંદિરનો પ્રભાવ સ્થાનાતીત છે, મંદિરનો આવો ચિરકાલીન પ્રભાવ સમગ્ર જીવનમાં પથરાઈ જાય છે, જે જીવનને સાર્થક બનાવે છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.