Western Times News

Gujarati News

“જિંદગી જિંદા-દિલી કા નામ હૈ, મુર્દા-દિલ ક્યા ખાક જીયેગા’,  જીવનમાંથી નિરસતાને જાકારો આપો”

આપણે ‘એક’ થઈને ભારતને ‘શ્રેષ્ઠ’ બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજભવનમાં ૧૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસ સમારોહની ભવ્યાતિભવ્ય ઉજવણી

આજે પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, પોંડીચેરી, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર દ્વીપસમૂહનો સ્થાપના દિવસ

આજે, તા. પહેલી નવેમ્બરે ભારતના પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, પોંડીચેરી, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર દ્વીપસમૂહનો સ્થાપના દિવસ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે રાજભવનમાં આ ૧૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસ સમારોહની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. વિભિન્ન રાજ્યોના યુવાનો-લોકકલાકારોએ નયનરમ્ય લોકનૃત્યોની પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતમાં સ્થાયી થયા હોય એવા આ પ્રદેશોના મૂળ વતની નાગરિકોએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રાજભવન પરિસરમાં મહર્ષિ દયાનંદ સભામંડપમાં યોજાયેલા ભવ્ય સ્થાપના દિવસ સમારોહમાં ભારતભરમાંથી પધારેલા કલાકારો અને નાગરિકોને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણે ‘એક’ થઈને ભારતને ‘શ્રેષ્ઠ’ બનાવીએ. ભાષા, ધર્મ, પ્રાંત અને ખાન-પાનના ભેદભાવ ભૂલીને આપણે‌ એક થઈશું તો વિકસિત થવામાં વાર નહીં લાગે. ભારતનું પ્રાચીન કાળમાં જે ગૌરવ અને ગરિમા હતાં તે પુનઃસ્થાપિત કરીએ. આપણો દેશ પુનઃ ‘સોને કી ચીડિયા’ બને, વિશ્વગુરુ બને એ માટે પરસ્પર સન્માન અને એકતાનો ભાવ પ્રગટાવીએ.

‘જિંદગી જિંદા-દિલી કા નામ હૈ, મુર્દા-દિલ ક્યા ખાક જીયેગા’ – શેરની આ પંક્તિઓ ટાંકીને રાજ્યપાલ શ્રી આચાર્ય  દેવવ્રતજીએ કહ્યું હતું કે, જીવનમાંથી નિરસતાને જાકારો આપો. ભારતની સંસ્કૃતિમાં જ ઉત્સાહ, ઉમંગ અને ઊર્જા છે. આપણી પાસે સંસ્કૃતિની વિરાસત અને વૈવિધ્ય છે તે આખા વિશ્વમાં મોટી મહાસત્તાઓ પાસે પણ નથી. આનંદ અને ઉત્સાહથી જીવન જીવવાની આપણી પરંપરા રહી છે. તેમણે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, સુંદર ભારતના નિર્માણ માટે એક થવાનો સંકલ્પ લેવા સૌને અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી ભારતના તમામ રાજભવનોમાં ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની વિભાગના વધુ દ્રઢ થાય એવા ઉદ્દેશ્ય સાથે તમામ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આવી ઉજવણીથી વૈવિધ્ય ધરાવતા રાજ્યો કલા અને સંસ્કૃતિના માધ્યમથી પરસ્પર એકતાના સૂત્રથી મજબૂતીથી બંધાય છે. ભારતમાં ૫૬૫ અલગ-અલગ રજવાડા હતા, ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશને એકતાના સૂત્રથી મજબૂતીથી બાંધ્યો. આજે ૨૮ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો ધરાવતું આપણું ભવ્ય ભારત વિકાસ તરફ અગ્રેસર છે.

રાજભવનમાં આયોજિત ૧૩ પ્રદેશોના સ્થાપના દિવસ સમારોહમાં કેરલના કલાકારોએ શિંકરી મેલમ, મધ્યપ્રદેશના કલાકારોએ નોરતા અને બધાઈ લોકનૃત્ય, તામિલનાડુના કલાકારોએ કરગટ્ટમ, કાવડી અટ્ટમ અને પોઈકકલ કૂદિરાઈ અટ્ટમ જેવા લોકનૃત્યોની રંગારંગ પ્રસ્તુતિ કરી હતી. પંજાબના કલાકારોએ જિંદવા અને ભાંગડા, કર્ણાટકના કલાકારોએ ઢોલુ કુનિથા  અને હરિયાણાના કલાકારોએ ઘુમર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. ગુજરાતના કલાકારોએ કચ્છી ગરબો અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ-મહાત્મ્ય વર્ણવતા કથક બેલેની પ્રસ્તુતિ કરી હતી. તમામ પ્રદેશોના કલાકારોએ સાથે મળીને એક જ કોરિયોગ્રાફીમાં ‘વંદે માતરમ્’ રજૂ કર્યું ત્યારે રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમાં પ્રેક્ષકોએ સમગ્ર ભારતના દર્શનની ભવ્ય અનુભૂતિ કરી હતી.

સ્થાપના દિવસ સમારોહમાં રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, એડિશનલ ડીજીપી શ્રી શમશેરસિંહ, શ્રી નરસિમ્હા કોમર, અધિક મુખ્ય વન સંરક્ષક શ્રી જયપાલસિંહ, શ્રી આર. કે. સુગૂર અને શ્રી જી.રમણમૂર્તિ તથા તમામ રાજ્યના ગુજરાતમાં વસતા નાગરિકોના પ્રતિનિધિઓ, ભારતીય સેના અને સુરક્ષા દળોમાં ગુજરાતમાં સેવારત અન્ય રાજ્યોના મૂળ વતની એવા અધિકારીઓ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉજવણીમાં ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.