કેશોદના સોનલધામમાં થશે અતિ ભવ્ય ઉજવણી
જૂનાગઢ, કેશોદ તાલુકાનું મઢડા ગામ આઈ શ્રી સોનલધામ મઢડા આજે અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ૮ જાન્યુઆરી વર્ષ ૧૯૨૪ પોષ સુદ બીજને રાત્રે ૮ઃ૩૦ વાગ્યે ભગવતીમાં સોનલનું પ્રાગટ્ય થયું હતું. પોષ સુદ બીજને સોનલ બીજ તરીકે હાલમાં પણ ઓળખવામાં આવે છે. તારીખ પ્રમાણે ૮ જાન્યુઆરીના દિવસે સોનલમાના જન્મને ૧૦૦ વર્ષ પૂર્ણ થશે. આ જન્મ શતાબ્દીને ખૂબ ભવ્ય રીતે ઉજવવા માટે સમગ્ર મંદિર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
સોનલમા સમજણા થયા ત્યારથી જ ચારણ સમાજની ઉન્નતિના દ્વાર ઉઘડવા લાગ્યા હતા. એમની કરુણતાના અમૃત ઝરણાએ કેટલાય લોકોના સંતાપને દૂર કર્યા હતા.
આઈ શ્રી સોનલમા ગામડે સુપડે અને નેહડે પ્રવાસો કરી અથાગ પ્રયત્નોથી સમાજની ચડતી કળા થાય તે માટે જહેમત ઉઠાવી હતી. સોનલમાએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશના પણ પ્રવાસો કર્યા હતા. શિક્ષણ ક્ષેત્રે ચારણ સમાજને આગળ લાવવા અનેક કામગીરી કરી હતી. કચ્છના માંડવી મુકામે વર્ષ ૧૯૫૭માં એક બો‹ડગ સ્કૂલની સ્થાપના કરી ત્યારબાદ માતાજીએ વાળાંક અને બાબરીયા વાળના તમામ પ્રદેશોના પ્રવાસો કર્યા હતા.
સોનલમા પ્રદેશની ઉન્નતી માટે અથાગ મહેનત કરી અને વ્યસનમુક્તિની ચળવળમાં પણ ભગવત બાપુ, વિનોબા ભાવે,રવિશંકર મહારાજ, કનુભાઈ લહેરી, કલ્યાણ શેઠ અને અન્ય વિદ્વાન ચારણો સાથે વ્યસનમુક્તિ માટે બેથી વધુ વાર પ્રવાસ કર્યા તે પછી ગીર, બરડો, બારાડી, હાલાર, કચ્છ વાગડ, ઝાલાવાડ, સાબરકાંઠા, મધ્ય ગુજરાત અને ગુજરાતના તમામ પ્રદેશોમાં અનેક વખત પ્રવાસો કરી અને માતાજીએ ભાવનગર અને અમદાવાદ તેમજ અન્ય છાત્રાલયોને સતત પ્રોત્સાહિત કરી શિક્ષણ પર સતત ભાર મુકતા આવ્યા હતા.
સમય જતા સમસ્ત ચારણ અને ચારણેતર સમાજમાં પૂજ્ય આઈ શ્રી સોનલમાની સેવાકીય પ્રવૃત્તિ સુધારાવાદી વિચારધારાની ધજા ફરકવા લાગી હતી. નાનું એવું મઢડા ધામ દેશ વિદેશમાં સોનલ ધામ તરીકે વિખ્યાત થયું હતું. સમગ્ર સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી અને આઈ શ્રી સોનલમાં કારતક સુદ તેરસને બુધવારના ૨૭ નવેમ્બર વર્ષ ૧૯૭૪ની વહેલી સવારે પાંચ વાગ્યે અમદાવાદ મુકામે અનંતની વાટ પકડી હતી.
આગામી ૧૧,૧૨ અને ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ત્રિ દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ સોનલધામ મઢડા ખાતે ઉજવાશે, તેમાં અનેક સંતો, મહંતો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ કાર્યક્રમનો હિસ્સો બનશે ત્યારે દરેક લોકોને આ કાર્યક્રમનું સાક્ષી બનવા માટે સોનલધામ મઢડા પરિવાર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.SS1MS