ઘરની બહાર સૂતાં સૂતાં આવ્યો જોરદાર બિઝનેસ પ્લાન
નવી દિલ્હી, દુનિયામાં બધા લોકો અલગ-અલગ વિચારસરણી ધરાવતા હોય છે. ઘણા લોકો શહેરી જીવનમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા માંગતા હોય છે. તો ઘણા લોકો એવા હોય છે જેઓ શાંતિમાં જીવન ગુજારવા માંગે છે.
ત્યારે જો તમને એવી કોઈ ટ્રિક મળી જાય, જે તમને શાંતિ પણ આપે અને સારી કમાણી પણ થાય તો! આવું જ કાંઈંક થયું છે પીટર નામના યુવક સાથે. પીટર નામના યુવકને ઘરની બહાર સુવાના શોખથી એક આઈડિયા આવ્યો અને તે આઈડિયા હિટ થઇ ગયો.
હાલ તેઓ આ આઇડિયાની મદદથી ઘરે બેઠાં લાખોની કમાણી કરી રહ્યા છે. એટલું જ નહીં આ કમાણી થવાને કારણે તેમણે પોતાની નોકરી પણ છોડી દીધી છે.
રિપોર્ટ અનુસાર, પીટર બહુથે પોતાના બાળપણની આદતને યાદ કરીને એક એવો બિઝનેસ આઈડિયા વિચાર્યો, જે તેના માટે હિટ સાબિત થયો છે.
પીટર બહુથ અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતમાં એટલાન્ટા પાસે રહે છે. તેમનું કહેવું છે કે, બાળપણમાં જ્યારે તેઓ પોતાના દાદાજીને ત્યાં જતા હતા, તો તેમને ઘરની બહાર સૂવું ખૂબ જ પસંદ હતું. તો હવે જ્યારે તેમણે એટલાન્ટામાં ઘર ખરીદ્યું છે, તો તેની પાસે રહેલા વૃક્ષો જોઈને તેમને ટ્રી હાઉસ બનાવવાનો વિચાર આવ્યો.
તેમણે જમીનના માલિકને મનાવીને જમીન ખરીદી લીધી અને ૮ ફૂટનું નાનું ટ્રી હાઉસ બનાવી લીધું. ધીમે ધીમે તેમણે તેમણે ૩ બેડરૂમનું ટ્રી હાઉસ બનાવી લીધું. જોકે, તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે કોઈ તેને ખરીદવા કે રેન્ટ પર રહેવા માંગશે. ત્યારે ૨૪ વર્ષ પહેલાં તેમણે બનાવેલા આ ટ્રી હાઉસથી એટલી કમાણી થવા લાગી છે કે, તેમણે નોકરી છોડી દીધી છે.
હવે તેઓ શાંતિથી જંગલના આ ટ્રી હાઉસ પાસે જ રહે છે. તેમણે લોકોને આ ટ્રી હાઉસ ભાડે આપવા માટે ૩૧ હજાર પ્રતિ રાત રેટ રાખ્યો છે. લોકો અહીં ખુશીથી રહેવા આવે છે. ઘરની અંદર સુંદર અને જૂનું ફર્નિચર પણ છે. આ ઘરમાં એરકંડિશનરની પણ જરૂર નથી પડતી. આમ તેઓ ટ્રી હાઉસની મદદથી લાખોની કમાણી કરી રહ્યા છે અને લોકો તેને ૫ સ્ટાર રીવ્યુ પણ આપી રહ્યા છે.SS1MS