આમોદની ઢાઢર નદીમાં નહારી વેલની લીલી જાજમ પથરાઈ ગઈ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના આમોદ જંબુસર રોડ પર આવેલ ઢાઢર નદીમાં ચોમાસા પહેલા નહારી વેલની તંત્ર દ્વારા સફાઈ કરવામાં ન આવતા લીલી છમ જાજમ પથરાતા નદીના પંથકના ખેડૂતો તથા આસપાસમાં રેહતા લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.
લોક જાણ મુજબ મળતી માહિતી અનુસાર આમોદ નજીક આવેલ ઢાઢર નદીમાં ઉગી નીકળેલી નહારી વેલ એટલી હદે મજબૂત હોય છે કે જેના કારણે નદીમાં વહેતા વહેણના પાણીનુ પણ રોકાણ થઈ શકે છે.અગાઉના વર્ષોમાં પણ નદીના પાણીથી પુરની પરિસ્થિતિઓ સર્જાઈ હતી.
જેના કારણે ઢાઢર નદી કિનારે રેહતા દાદાપોર ગામના લોકોએ પુરના પાણીના પ્રવાહમાં જીવના જાેખમે ઢાઢર નદીમાં ઉગી નીકળેલી નહારી વેલની સફાઈ હાથધરી હતી. જયારે બીજી તરફ ઢાઢર નદીમાં આવતા પુરના પગલે ઢાઢર નદીના કિનારા પર આવેલ ખેતરો માં પણ પુરના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી.
જેના પગલે ખેડૂતોને પણ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ઢાઢર નદીમાં આવતા પુરની અસર આમોદ તાલુકાના સાત જેટલા ગામો ઉપર પણ પડે છે. જેના પગલે કેટલાક ગામોના રસ્તા પણ બંધ થઈ જવા પામે છે.તંત્ર દ્વારા તાકીદે ઢાઢર નદીમાં ઉગી નીકળેલ નહારી વેલની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તો પુરના સંકટને રોકી શકાય એમ છે.