Western Times News

Gujarati News

દર ૭ મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક

અમદાવાદ, ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર ૭ મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, ૧૦૮ ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર ૭ મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે.

હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. ૧૦૮ ઈમરજન્સીના આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં હૃદયરોગના કુલ ૭૨ હજાર ૫૭૩ કેસ નોંધાયા છે. જેમાં સુરત-વડોદરામાં ૩૧ ટકા, રાજકોટમાં ૪૨ ટકા અને અમદાવાદમાં ૨૮ ટકા કેસ વધારો થયો છે. ૪૨ ટકાના વધારા સાથે રાજકોટ ટોચ પર છે. સતત વધી રહેલાં હાર્ટ એટેકની ઘટના સામે ચિંતા વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે. લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ડૉક્ટર્સ સૂચના આપી રહ્યાં છે.

૧૦૮ ના આંકડા અનુસાર, સુરતમાં હાર્ટ એટેકના કેસમાં ૩૧ ટકાનો વધારો થયો છે. ત્યારે આજના અપડેટ અનુસાર, સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ લોકોને હાર્ટ એટેક આવ્યો છે. ચાર મહિના પહેલાં જન્મેલી બાળકીએ પિતા ગુમાવ્યા.

સુરતમાં એક યુવકને ચા પીધા બાદ હાર્ટ એટેક આવ્યો હતો, તો અન્ય એકનું ફૂટપાથ પર ઢળી પડ્યા બાદ મોત નિપજ્યુ હતું. તો શહેરના પાંડેસરા વિસ્તારના નાગસેન નગરમાં ૩૫ વર્ષના સુનિલ બિરાડેને અચાનક જ છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા. પરંતું ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ તમામના મોતનું કારણ જાણી શકાશે. હાર્ટ એટેકના વધતા કિસ્સા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.

ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે.

૧૦૮એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. ૧૦૮એ વર્ષ ૨૦૨૩માં ૭૨ હજાર ૫૭૩ હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૩માં સુધી કેટલા કેસ નોંધાયા તેની આંકડા પર એક નજર કરીએ…
૨૦૧૮માં ૫૩,૭૦૦ હૃદય રોગના કેસ નોંધાયા
૨૦૧૯માં ૬૩,૬૨૮ હૃદય રોગના કેસ નોંધાયા
૨૦૨૦માં ૪૪,૭૯૭ હૃદય રોગના કેસ નોંધાયા
૨૦૨૧મા ૪૨,૫૫૫ હૃદય રોગના કેસ નોંધાયા
૨૦૨૨માં ૫૬,૨૭૭ હૃદય રોગના કેસ નોંધાયા
૨૦૨૩માં ૭૨,૫૭૩ હૃદય રોગના કેસ નોંધાયા

૨૦૧૮માં હૃદય રોગના ૫૩,૭૦૦ કેસ હતા તેની સરખામણીએ વર્ષ ૨૦૨૩માં ૩૫% વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરામાં હૃદય રોગના કેસ પર નજર કરીએ. અમદાવાદમાં ૨૧ ૪૯૬ કેસ, સુરતમાં ૫૪૦૮ કેસ, રાજકોટમાં ૪૯૧૦ કેસ, ભાવનગરમાં ૩૭૬૯ કેસ અને વડોદરામાં ૩૬૧૮ કેસ નોંધાયા છે.

૧૦૮ ઈમરજન્સીએ આ આંકડાને લઈને એવું પણ અનુમાન લગાવ્યું છે કે, દર ૭ઃ૩૦ મિનિટે એક વ્યક્તિને હૃદય રોગને લગતી બીમારી સામે આવી રહી છે. લોકોની બદલાતી ટેવ, ફૂડ, માનસિક સ્ટ્રેસ અને વધારે પડતું જીમ કરવાથી પણ હૃદય રોગનો હુમલો આવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.