Western Times News

Gujarati News

કેનેડામાં ચાર દિવસથી ગુમ થયેલા ગુજરાતી યુવકનું ભેદી સંજોગોમાં મોત

અમદાવાદ, કેનેડાના મેનિટોબા પ્રોવિન્સના બ્રેન્ડન સિટીમાં રહેતા ગુજરાતી યુવક વિષય પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. વિષય ૧૫ જૂનની રાત્રે ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો, તેના ગુમ થવાની ફરિયાદ ૧૬ જુલાઈએ સવારે દસ વાગ્યે નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરતાં વિષય છેલ્લે શહેરના ડિસ્કવરી સેન્ટર એરિયામાં જાેવા મળ્યો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે આ વિસ્તારમાંથી પસાર થતી નદીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, આ દરમિયાન ૧૮ જૂનના રોજ વિષયના પરિવારના સભ્યોને અસિનેબોઈન નદી પર આવેલા હાઈવે ૧૧૦ બ્રિજ નજીકથી વિષયના કપડાં મળી આવ્યા હતા. ત્યારબાદ આ વિસ્તારમાં પણ પોલીસે સર્ચ ઓપરેશન ચલાવતા આખરે નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો.

જાેકે, પોલીસે આ મૃતદેહ કોનો છે તે અંગે કોઈ જાણકારી હજુ સુધી જાહેર નથી કરી. પોલીસે જાેકે આ કેસમાં મૃતકની હત્યા કરાઈ હોવાની શક્યતાને નકારી દીધી છે. જાેકે, છેલ્લા ત્રણ મહિનામાં કેનેડામાં નદીમાં ડૂબવાથી આ ત્રીજા યુવકનું મોત થયું છે. આ પહેલા આવા જ જે બે કેસ બન્યા હતા તેમાં પણ મોતનું સાચું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. મૃતક વિષય પટેલની ઉંમર માત્ર ૨૦ વર્ષ હતી, તે ૧૫મી જૂને રાત્રે પોતાના ઘરેથી ગ્રે કલરની હોન્ડા સિવિક કાર લઈને નીકળ્યો હતો. વિષયે ત્યારે બ્લેક કલરનાં ટી-શર્ટ અને સ્વેટપેન્ટ્‌સ પહેર્યાં હતાં.

જાેકે, તે જે કાર લઈને ઘરેથી નીકળ્યો હતો તે કાર ૧૬મી જુલાઈએ સાંજે એક મોલના પાર્કિંગ લોટમાંથી મળી આવી હતી, પરંતુ વિષયનો કોઈ અતોપતો નહોતો. આ દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે તેની કાર જે મોલના પાર્કિંગમાંથી મળી હતી ત્યાંથી તે નદી તરફ ચાલતો જતો જાેવા મળ્યો હતો. આ જ બાતમીના આધારે પોલીસે નદીકાંઠાના વિસ્તારમાં વિષયની શોધખોળ શરૂ કરી હતી, તેવામાં તેના કપડાં મળી આવ્યા બાદ તેના પરિવારજનોને કંઈક અજૂગતું થયું હોવાની શંકા થઈ હતી.

આખરે પોલીસે વિષયના કપડાં જ્યાંથી મળ્યા હતા ત્યાં સર્ચ ઓપરેશન વઘુ સઘન બનાવતા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ જાહેર નથી કરી, પરંતુ આ વિષયનો હોવાનું જ મનાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વિષયને શોધવા માટે તેનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કરીને પોલીસે જનતાની મદદ માગી હતી. વિષય પટેલ ગુજરાતમાં ક્યાંનો વતની છે તેની કોઈ ચોક્કસ માહિતી નથી મળી શકી, પરંતુ તે આણંદની આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે. વિષયનું ઈમિગ્રેશન સ્ટેટસ શું હતું તેની માહિતી પણ કેનેડાની પોલીસે હજુ સુધી જાહેર નથી કરી. એક તરફ ગુજરાતથી કેનેડા જતાં સ્ટૂડન્ટ્‌સની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે તો ચાલુ વર્ષમાં જ ત્રણ ગુજરાતી સ્ટૂડન્ટ્‌સના પાણીમાં ડૂબીને જ મોત થતાં અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.

તેમાંય અગાઉના બે કેસમાં તો અમદાવાદના હર્ષ પટેલ અને ભાવનગરના આયુષનો મૃતદેહ મળી આવ્યા બાદ પણ તેમના ગાયબ થઈ ગયેલા ફોન અમુક સમય સુધી ચાલુ રહ્યા હતા, અને તેના પર રિંગ પણ જઈ રહી હતી. સ્ટૂડન્ટ્‌સમાં કેનેડા જવાનો ક્રેઝ ભલે વધી રહ્યો હોય, પરંતુ કેનેડામાં મોટાભાગના ભારતીય સ્ટૂડન્ટ્‌સ સતત સ્ટ્રેસમાં રહેતા હોવાનો પણ ચોંકાવનારો રિપોર્ટ તાજેતરમાં થયો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે ભણવા માટે કેનેડા જતાં સ્ટૂડન્ટ્‌સ ત્યાં ભણવાની સાથે જાેબ શોધવાથી લઈને ભણવાનું પૂરૂં કર્યા બાદ વર્ક પરમિટ અને ત્યારબાદ પીઆર તેમજ કેનેડાની સિટીઝનશીપ લેવા માટે સતત પ્રેશરમાં રહેતા હોય છે. ૨૦૨૨માં જ કેનેડામાં ૩૩ ભારતીય સ્ટૂડન્ટ્‌સના મોત થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.