Western Times News

Gujarati News

બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ નજીક હેપી સ્ટ્રીટ-પાર્ટી પ્લોટની સુવિધા ઉભી કરાશે

વસ્ત્રાપુર તળાવ, સોલા ગામ તળાવ, થલતેજ ગામ તળાવ, શીલજ ગામ તળાવનું પણ નવીનીકરણ હાથ ધરાયું

(એજન્સી)અમદાવાદ, આપણઆ અમદાવાદને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા માય સિટી, માય પ્રાઈડ અભિયાન હાથ ધરાયું છે. શહેરને વધુ ગ્રીનરીથી રળિયામણું બનાવવા માટે પણ તંત્ર ખાસ જહેમત ઉઠાવી રહ્યું છે.

ઉપરાંત વિવિધ સ્થળોએ આવેલાં તળાવોને પણ કરોડો રૂપિયાના ખર્ચે નવાં રંગરુપ આપવાની દિશામાં સત્તાધીશોએ આગેકૂચ આરંભી છે, જે અંતર્ગત બાપુગનરના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ કે જે નમો વન તરીકે પણ ઓળખાય છે તેને વધુને વધુ લોકો માટે આનંદપ્રદ બનાવવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે, જે અંતર્ગત લો ગાર્ડનની જેમ ખાણીપીણીના શોખીનો માટે હેપી સ્ટ્રીટ તેમજ પાર્ટી પ્લોટ વગેરે વિકસિત કરવામાં આવશે.

દરિયાપુર વોર્ડના કોંગ્રેસના કોર્પાેરેટર નીરવ બક્ષીએ બજેટ બેઠક દરમિયાન તળાવોના નવીનીકરણ બાબતે મ્યુનિ. કોર્પાેરેશનમાં પૂછેલા સવાલ હેઠળ મળેલા જવાબમાં ઉપરોક્ત માહિતી મળવા પામી છે. ઉત્તર ઝોનમાં તંત્ર હસ્તક કુલ ત્રણ તળાવ છે, જેમાં લાલ બહાદુર શાસ્ત્રી તળાવ, કારિયા લેક અને સૈજપુર તળાવનો સમાવેશ થાય છે. સૈજપુર તળાવમાં વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૨૩ લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી હતી, જ્યારે બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી તળાવને નમો વન તરીકે વિકસિત કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

બાપુનગરમાં આવેલું લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ (તળાવ) ટીપી સ્કીમ નં. ૧૧, ફાઈનલ પ્લોટ નં. ૨૬૮, રેફરન્સ સર્વે નં. ૨૭૯+૨૮૧ માં આવેલું છે. ગત ૨૬ ઓગસ્ટ, ૨૦૦૮ના રોજ રાજ્ય સરકારના હુકમથી તે મ્યુનિસિપલ કોર્પાેરેશનને ૯૯ વર્ષના ભાડાપેટે આપવામાં આવ્યું હતું. સ્ટેડિયમનું ક્ષેત્રફલ આશરે ૨,૬૩,૬૭૦ ચોરસ મીટર છે, જ્યારે તળાવનું ક્ષેત્રફળ અંદાજે ૧,૨૧,૭૩૩ ચોરસ મીટર છે. મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩માં તળાવને ખાલી કરી તેની ફરતે આરસીસીની રિટેનિંગ વોલ બનાવાઈ હતી. ઉપરાંત તળાવમાં ખોડિયાર મંદિર બાજુએથી અને મરઘા ફાર્મ બાજુએથી ચોમાસાની ઋતુ સિવાય તળાવમાં આવતાં ડ્રેનેજના પાણીને વાલ્વ મુકીને બંધ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે લાલ બહાદુર તળાવ ખાતે મિશન મિલિયન ટ્રી અંતર્ગત નરેન્દ્ર મોદી વન માં મિયાવાકી પદ્ધતિથી ૭૧ હજાર રોપાનું વૃક્ષારોપણ કરાયું હતું. વર્ષ ૨૦૨૨-૨૩માં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમને નમો વન તરીકે ડેવલપ કરવાનું આયોજન હાથ ધરાયું હતું. વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના કોર્પાેરેટર નીરવ બક્ષીને મળેલી માહિતી મુજબ આ પ્રોજેક્ટ માટે ગત ૧૦ ઓક્ટોબર-૨૦૨૨ એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નં. ૧૦૧૩ હેઠળ રૂ. ૨૦,૬૦,૭૦,૧૨૪નું ટેન્ડર મંજૂર કરાયું હતું. જેમાં પ્રોજેક્ટની સમય મર્યાદા ચોમાસા સિવાય ૧૮ મહિનાની રખાઈ છે. અને આસોપાલવ ગાર્ડન કન્સલન્ટને આ કામગીરી સોંપાઈ છે ગત તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૩એ તંત્રએ પ્રોજેક્ટને લગતો વર્ક ઓર્ડર આપ્યો હતો. અને તેને આગામી ૯ માર્ચ, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો થાય છે.

સ્ટેડિયમને નમો વન તરીકે વિકસિત કરવાના ફેસ-૧ અંતર્ગત લો ગાર્ડનની જેમ હેપી સ્ટ્રીટ ડેવલપ કરીને ખાણીપીણીના રસિયાઓ માટે અનોખું સ્થળ ઉભું કરાશે. ઉપરાંત ઓપન જિમ અને ચિલ્ડ્રન પ્લે એરિયા, રિક્રિયેશન પ્લાઝા, તળાવની વચ્ચે આવેલા એરિયાને ડેન્સ ફોરેસ્ટ તરીકે વિકસિત કરવો, હયાત મંદિરનું ડેવલપ, સ્ટેડિયમની ફરતે લાઈટ, આકર્ષક ગાર્ડન અને પાર્ટી પ્લોટને ડેવલપ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.