ભદ્ર કોર્ટમાં ભીડનો લાભ લઈને પાકા કામનો કેદી ફરાર થઈ ગયો
કેદી વિરૂદ્ધ બળાત્કારનો કેસ ચાલતો હોવાથી તેને રાજકોટની જેલમાંથી જાપ્તા સાથે અમદાવાદ લાવવામાં આવ્યો હતો
(એજન્સી)અમદાવાદ, શહેરના ભદ્ર ખાતે આવેલી સિટી સેશન્સ કોર્ટના સંકુલમાંથી પોલીસ જાપ્તામાં રહેલો પાકા કામનો કેદી ફરાર થઈ જતાં વિવાદ સર્જાયો છે. પાકા કામના કેદી વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ હેઠળ બળાત્કારનો ગુનો નોંધાયો છે. કેસની ટ્રાયલ શરૂ થતાં તેને ગઈકાલે પોલીસ જાપ્તા સાથે રાજકોટની જેલમાંથી લાવવામાં આવ્યો હતો.
કોર્ટની મુદ્દત પૂરી થતાં તેને રાજકોટ પરત લઈ જવાની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. લાલ દરવાજા પાસે વધુ ભીડ રહેતી હોવાથી આરોપી તેનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. કારંજ પોલીસે આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં ગુનો નોંધ્યો છે જ્યારે હવે પોલીસ જાપ્તા પર સસ્પેન્શનની લટકતી તલવાર હોય તેવું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ ખાતે આવેલા આસ્થા એન્કલેવમાં રહેતા અને રાજકોટ પોલીસ હેડકવાટર્સની સી કંપનીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધનજીભાઈએ કારંજ પોલીસ સ્ટેશનમાં આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ કરી છે. ધનજીભાઈ પોલીસ હેડકવાર્ટસ ખાતે ર૭ વર્ષથી ફરજ બજાવે છે. ગઈકાલે સવારે ધનજીભાઈ પોલીસ હેડકવાટ્ર્સ ગયા હતા જ્યાંથી તેમને કેદી જાપ્તાની નોકરી ફાળવી હતી.
રાજકોટ જેલમાં બંધ એક પાકા કામના કેદીને અમદાવાદના ભદ્ર ખાતે આવેલી સિટી સેશન્સ કોર્ટમાં રજૂ કરવાનો હતો. ધનજીભાઈ સાથે પોલીસ કોન્સ્ટેબલ ભાવુભા અને આઉટસોર્સના ડ્રાઈવર રાહુલ અમદાવાદ આવવાના હતા. ગઈકાલે કાયદાકીય નિયમો પ્રમાણે રાજકોટ જેલમાં બંધ રાધેશ્યામ ઉર્ફે ગોપાલ ઉર્ફે કુલદીપ રાજદેવની કસ્ટડી લીધી હતી. પોલીસ જાપ્તામાં રાધેશ્યામને રાજકોટથી અમદાવાદની ભદ્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
સવારના છ વાગ્યા બાદ આરોપીને રાજકોટની જેલમાંથી બહાર કાઢીને સવારના ૧૧ વાગ્યાની આસપાસ ભદ્ર ખાતે આવેલી એડિશનલ સેશન્સ જજ એ.બી.ભટ્ટની કોર્ટમાં રજૂ કર્યો હતો. ધનજીભાઈ સહિતના લોકોએ રાધેશ્યામની હાથકડી ખોલી હતી અને તેને લિફટ મારફતે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં બન્ને પક્ષોની દલીલો બાદ જજે વધુ સુનાવણી ર૩ જાન્યુઆરી પર રાખી હતી. કોર્ટમાં સુનાવણી પૂરી થતાંની સાથે જ પોલીસ જાપ્તામાં રાધેશ્યામને ગ્રાઉન્ડ ફલોર પર લાવવામાં આવ્યો હતો.
આ દરમિયાન ધનજીભાઈએ પોલીસવાન બોલાવવા માટે ભાવુભાને કહ્યું હતું. પરંતુ ગ્રાઉન્ડ ફલોર પર ટ્રાફિક હોવાના કારણે ધનજીભાઈ પોલીસવાનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે રાધેશ્યામ ચૂપચાપ તેમની નજર ચૂકવીને જતો રહ્યો હતો. ધનજીભાઈને રાધેશ્યામ ગુમ થયાની જાણ થઈ ત્યારે તેમણે તરત જ અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ અને રાજકોટ પોલીસને જાણ કરી દીધી હતી.
કોર્ટ સંકુલમાં ભીડ હોવાથી રાધેશ્યામ ફરાર થઈ ગયો હતો. ધનજીભાઈ સહિત પોલીસ ટીમે રાધેશ્યામને શોધવા માટે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી જ્યારે કારંજ પોલીસની ટીમે પણ ઠેર-ઠેર તપાસ કરી હતી. રાધેશ્યામ મળી નહીં આવતા અંતે ધનજીભાઈએ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે રાધેશ્યામ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જ્યારે અલ્પેશ ઠાકોર હત્યા કેસમાં પીઆઈ સસ્પેન્ડ થયા ત્યાર બાદ એક ચેઈન સ્નેચિંગનો આરોપી પીએસઓ ટેબલ પાસેથી ભાગી ગયો હતો. પોલીસે ચેઈન સ્નેચિંગના આરોપીની ધરપકડ કરી હતી પરંતુ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં લોકઅપ નહીં હોવાથી તેને પીએસઓ ટેબલ પાસે બેસાડયો હતો. પીએસઓ જ્યારે કામગીરી કરી રહ્યા હતા ત્યારે આરોપી નાસી ગયો હતો.
આ પછી ખોખરા પોલીસ સ્ટેશનમાં એક આરોપીની ચોરીના કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ હતી. પીએસઆઈ સહિતની પોલીસની ટીમ આરોપીને કાલુપુર ખાતે તપાસ માટે લઈને આવી હતી ત્યારે આરોપી હાથકડી સાથે નાસી ગયો હતો. પીએસઆઈને ધક્કો મારીને ચોરીનો રીઢો આરોપી ફરાર થઈ ગયો હતો.
આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. કાલુપુરમાં ફરિયાદ નોંધાતા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ ગઈકાલે ભદ્ર કોર્ટ સંકુલમાંથી એક બળાત્કારનો આરોપી નાસી જતાં હવે વિવાદ સર્જાયો છે.