રાજપીપલાની જૂની સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગમાં શરૂ કરાયું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
(માહિતી) રાજપીપલા, નીતી આયોગ દ્વારા નર્મદા જિલ્લાને એસ્પીરેશનલ જિલ્લા તરીકે જાહેર કરી લોકસુખાકારીના વિશેષ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની રાહબરી હેઠળ જનસુવિધાઓમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપલા શહેરી વિસ્તાર તરીકે પ્રસિદ્ધ હોય રાજપીપલાની અંદાજીત વસ્તી ૪૧,૨૬૫ જેટલી છે, જેમાં ૧૪ જેટલા સ્લમ વિસ્તારો આવેલા છે.
જેથી લોકોને પોતાના ઘર નજીક આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો શરૂ કરવાનું નક્કી કરાયું છે. રાજપીપલામાં જુની સિવીલ હોસ્પિટલ અગાઉ જ્યાં કાર્યરત હતી તેને થોડા સમય પહેલાં વડીયા પેલેસ જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે લઇ જવાતાં જૂના બિલ્ડીંગના ઉપયોગ અર્થે તેમજ શહેરના દર્દીઓને ઘર પાસે સુવિધા મળી રહે તે માટે રાજ્યકક્ષાની સૂચનાથી રાજપીપલામાં બે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવા જણાવાયું છે.
જેને ધ્યાનમાં લઈને નર્મદાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જનકકુમાર માઢકની રાહબરીમાં હાલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૧ તરીકે જુની સિવીલ હોસ્પિટલના મકાનમાં શરૂ કરવામાં આવ્યું છે.
આ સેન્ટરમાં નાગરિકોને મળનારી પ્રાથમિક સુવિધાઓમાં જનરલ ઓપીડી, લેબ ટેસ્ટીંગ, રાષ્ટ્રીય પ્રોગ્રામ-ટી.બી., લેપ્રસી, મચ્છરજન્ય રોગો, એચ.આઇ.વી.સગર્ભાવસ્થા અને સુવાવડ, નવજાત શિશુ અને બાળકોની તપાસ, બાલ્યવસ્થા અને કિશોરાવસ્થા, પરિવાર નિયોજન, ગર્ભનિરોધક અને પ્રજનનની તપાસ, સામાન્ય રોગચાળા સંબંધિત તપાસ, સંચારી રોગો તેમજ રોગચાળા અને નાની બિમારીઓ, ડાયાબીટીસ, હાયપરટેન્શન, કેન્સર જેવી બીન સંચારી સેવા, આંખ, નાક, કાન, ગળાના રોગોના નિદાન તથા સારવાર, દાંત, વધુવય ધરાવતા વ્યક્તિની તપાસ, ટ્રોમા અને આકસ્મિક તપાસ, માનસિક આરોગ્ય બિમારીઓની તપાસ અને યોગાનું માર્ગદર્શન પુરૂં પાડવાની સુવિધા તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે.