Western Times News

Gujarati News

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ- ધરમપુરના આંગણે ઉજવાયો ઐતિહાસિક અવસર

પૂજ્યશ્રી મહંત સ્વામીજી મહારાજ અને પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના પાવન હસ્તે જ્ઞાન – ધ્યાન  સંકુલ : ‘રાજ સભાગૃહ’નું લોકાર્પણ: 

તા : 26 મી ડિસેમ્બર, 2023, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આધુનિક સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ કૃતિસમ એક સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ’નું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને બી.એ.પી.એસ. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અધિષ્ટાતા પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજના પાવન હસ્તોએ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગ માત્ર એક ધાર્મિક સંવાદિતાનું ઉદાહરણ જ નહીં પણ બે સંસ્થા અને વર્તમાન સમયના બે પ્રબુદ્ધ સંતો વચ્ચેના પ્રેમભર્યા ગાઢ સંબંધોને ઉજાગર કરી રહ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું પ્રેમભર્યું આમંત્રણ સ્વીકારીને 91 વર્ષની ઉંમરે પણ ખાસ સમય કાઢીને પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજ આ લોકાર્પણ પ્રસંગે પધાર્યા એ ઐતિહાસિક ક્ષણો બની રહી હતી.

પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજ રાજ સભાગૃહના લોકાર્પણ કરવા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં પૂ. શ્રી બ્રહ્મવિહારી સ્વામી અને અન્ય સંતો સાથે પધાર્યા હતા. તેઓશ્રીએ અહીં સ્થાપિત શ્રીમદ્દ રાજચંદ્રજીની 34 ફૂટ ઊંચી પ્રતિમાજીના દર્શન અને પ્રક્ષાલ પૂજા કરી હતી તથા જિનમંદિરમાં તેઓ દર્શન પૂજા અર્થે પધાર્યા હતા. રાજ સભાગૃહના લોકાર્પણ પ્રસંગે હજારો ભક્તોની પ્રત્યક્ષ અને વિશ્વભરમાં ઓનલાઈન નિહાળતાં લાખો ભક્તોની ઉપસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજે ‘રાજ સભાગૃહ’ની તક્તીનું અનાવરણ કરી, આ  જાજરમાન સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું.

પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજે આ અવસરે સ્નેહાદર સાથે આશિષ આપતાં કહ્યું કે, “જોવાલાયક તો અહીં ઘણું છે, પણ આજે અમે પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી મહારાજના પ્રેમની  દોરથી ખેંચાઈને આવ્યા છીએ. શ્રીમદ્દ રાજચંદ્રજી ખુબ મહાન પુરુષ હતા. તેમનું કાર્ય  પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ ખુબ સુંદર રીતે આગળ વધાર્યું છે. અહીં જે સત્સંગ કરશે, સાધના કરશે, તે જીવનમાં ખુબ સુખ શાંતિ પામો, આ સંસ્થાની ખુબ પ્રગતિ થાય અને બધા સેવકો ખુબ સુખી થાય.”

પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજની પ્રશસ્તિ કરતાં કહ્યું કે “તેઓશ્રીને જોઈને લાગે છે કે આપણે સતયુગમાં જીવીએ છીએ. તેઓશ્રીમાંથી પવિત્ર સ્પંદનો વહે છે, જો આપણે તેને ગ્રહણ કરીએ તો જરૂર આંતરિક રૂપાંતરણ અનુભવી શકીએ.”

‘રાજ સભાગૃહ’નો આરસમઢ્યો ફાનસનો આકાર ચિત્તાકર્ષક છે. જ્ઞાનના તેજસ્વી પ્રકાશના આ પ્રતીકાત્મક અત્યાધુનિક સંકુલની  બાહ્ય સુવિધાઓ આંતરિક ઐશ્વર્યને પામવાનું આમંત્રણ આપે છે. રાજ સભાગૃહ આશરે 10 એકરના વિસ્તારનું  20,000 લોકોની ક્ષમતા ધરાવતું એક વિશાળ સંકુલ છે.  અહીંનું ભવ્ય ઓડિટોરિયમ ગહન આધ્યાત્મિક રહસ્યોને સમજવાનું શક્તિશાળી સ્થાન બની રહેશે. આ એક આર્કિટેક્ચરલ કૌશલ્ય અને એકોસ્ટિક કુશળતાનો સંગમ છે.

દરેક બેઠક પરથી અવરોધ વિનાનું દ્રશ્ય એક શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરે છે. ઓડિટોરિયમની ઉપર આવેલ મેડિટેશન હોલમાં પ્રવેશતાં જ શાંતિનો અનુભવ થાય છે. તો હજારો પ્રાચીન ગ્રંથો અને આધુનિક પુસ્તકો તથા તેની ડિજિટલ આવૃત્તિઓ ધરાવતી અનેકાંત લાઇબ્રેરી અભ્યાસીઓ માટે સ્વર્ગ સમાન છે. વિવિધ સત્રો યોજી શકાય તેવા 7 મલ્ટીપર્પઝ એસેમ્બલી હોલ છે.

અહીં શ્રીમદ્દ રાજચંદ્રજીના જીવન અને કવન પર ઈન્ટરએકટીવ અનુભવ અને શ્રીમદ્દજીએ ગ્રહણ કરેલ વસ્તુઓનું પ્રદર્શન ધરાવતું મ્યુઝિયમ છે. પ્રાકૃતિક સૌંદર્યભર્યા ખુલ્લા વાતાવરણમાં સ્વ સાથે અનુસંધાન કરી શકાય તેવો 1.5 લાખ ચોરસ ફૂટનો વિશાળ પ્લાઝા વગેરે આ સંકુલને વિશ્વસ્તરીય બનાવે છે, જેથી રાજ સભાગૃહને AR ફ્યુચર પ્રોજેક્ટ – કલ્ચરલ રિજનરેશન એવોર્ડ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યું છે.

આ અવસરે પૂ. શ્રી બ્રહ્મવિહારી સ્વામીએ પોતાની રોચક શૈલીમાં વ્યક્તવ્ય આપતાં કહ્યું કે , “આપણને એવું લાગે છે કે આપણે આ હોલનું ઉદ્ઘાટન કરવા આવ્યા છીએ પણ અહીં એટલી  બધી આધ્યાત્મિકતા અને એટલો બધો પ્રેમ વહી રહ્યો છે કે એવું લાગે છે કે પ્રેમના માહોલનું ઉદ્ઘાટન કરવા આવ્યા છીએ.”

સત્સંગનું અનેરું માહાત્મ્ય દર્શાવનાર શ્રીમદ્જીના બોધવચનોની અમૂલ્ય વિરાસત રાજ સભાગૃહમાં  કાયમ જીવંત રહેશે અને વર્તમાન સાધકો અને આવનારી અનેક પેઢીઓ એ સત્સંગ ધારામાં  સ્નાન કરી આત્મકલ્યાણ સાધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.