એવાં ઘર જ્યાં વાંચનારા રહે છે…
એક એવો સમય હતો જયારે કોઈના પણ ઘરે જઈને ડ્રોઈંગ રૂમમાં જાે થોડો સમય રાહ જાેવી પડે તો એ સમય પસાર કરવાનું બિલકુલ મુશ્કેલ નહોતું કારણ કે ત્યાં ડ્રોઈંગ રૂમના ટેબલ પર કોઈને કોઈ ન્યુઝપેપર કે મેગેઝિન પડેલા રહેતા. પહેલાં તો સેન્ટર ટેબલ એટલે જ બનતા હતા જેથી ત્યાં નીચેની તરફ ન્યુઝપેપર વગેરે રાખવાની જગ્યા હોય જેમાં લોકો કેટલાંક જૂના મેગેઝિન અને એક-બે દિવસ જૂના ન્યુઝપેપર રાખી મુકતા હતા.
કેટલીક વખત તો એવું થતું હતું કે મહેમાન વાંચનમાં એટલો ડૂબી જતો કે યજમાને સંવાદ શરૂ કરવા માટે રાહ જાેવી પડતી હતી. ત્યારે મેગેઝિન માગીને વાચવાનું બહુ સામાન્ય હતું. હવે તો કોઈના ઘરમાં પ્રવેશ કરતી વખતે ખિસ્સામાંથી તરત મોબાઈલ નીકળી આવે છે ઘર હોય, દુકાન હોય, રસ્તો હોય કે પછી મોલ હોય.. હાથમાંથી મોબાઈલ નથી છૂટતો. હવે જીવનમાં નવીનતાને કોઈ સ્થાન નથી મળતું અને તમામ પ્રવૃતિનું કેન્દ્ર મોબાઈલ બનીને રહી જાય છે.
હજી પણ ઘરમાં ન્યુઝ પેપર તો મળી આવે છે પણ એને વાંચનારા મહેમાન કાં તો સિનિયર સિટીઝન હશે અથવા તો કોઈ આધેડ વયની વ્યક્તિ હશે. છાપાં વગર સવાર ન પડે એવું માનનાર યુવાનોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી હો યછે. મુદ્દો માત્ર અખબારથી મળતી સુચના કે જાણકારીનો જ નથી પણ આખો મુદ્દો ભાષાના વિકાસનો અને શબ્દો સાથે મિત્રતા કરવાનો છે. આનાથી શાંતિથી વાંચન કરવાની ધીરજ કેળવાય છે અને સત્યની પરખ કરવાની આવડત વિકસીત થાય છે.
મેગેઝિનના પાનાંમાં છુપાયેલી વાર્તાની દુનિયા સાથેનો પરિચય કરવામાં સમય ક્યાં સરી જાય છે એની ખબર જ નથી પડતી. આ ગુણ વ્યક્તિત્વના વિકાસ માટે જ નહીં પણ મગજના વિકાસ તેમજ આંખના વિકાસમાં મદદરૂપ થાય છે.જે ઘરમાં આજે પણ અખબાર અને મેગેઝિન ડ્રોઈંગ રૂમમાં જાેવા મળે છે એ ઘરના યજમાન અને મહેમાન બંને આદરપાત્ર છે.