જંબુસરમાં પૂ.અપૂર્વમુનિ સ્વામીની વિરાટ જાહેર સભા યોજાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે જંબુસરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં મારો પરિવાર સુખી પરિવાર વિષય ઉપર મોટીવેશનલ સ્પીકર પૂ.અપૂર્વમુનિ સ્વામીએ પ્રેરક પ્રસંગો સાથે ચોટદાર વકતવ્ય આપ્યું હતું.
પૂ.અપૂર્વમુનિ સ્વામીએ જંબુસરના આંગણે પ્રેરણા સમારોહના આયોજન બદલ આનંદ વ્યકત કરતા કહ્યું હતું કે, “સ્થાન બનાવવું સહેલું છે, પરંતુ તેને જીવંત રાખવું ખૂબ જ અધરું છે. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે ભારતવર્ષ માટે જે કાર્ય કર્યું છે તેને અંજલિ આપવાનો આ કાર્યક્રમ છે.
જીવનમાંથી દૂષણો-દુરાચારો કેવી રીતે દૂર થાય તે માટેની આ સભા છે. ઘરમાં બધાના વિચાર અલગ અલગ હોય તો કેવી રીતે પ્રેમથી રહી શકાય? ઉપરાંત તમારા જીવનસાથી અને માતા-પિતા વચ્ચે રહેલા અણબનાવને નિવારણ કેવી રીતે કરવું ? તેના ઉકેલ રૂપે મારો પરિવાર સુખી પરિવાર બને તે માટે શિક્ષણ, સહનશક્તિ, સંસ્કાર અને સત્સંગરૂપી જડીબુટ્ટી બતાવી હતી.
સાથે સાથે પરિવાર સત્સંગી બને, આદર્શ બને તે માટે યુવાનોને નિર્વ્યસની બનવાની શીખ આપી હતી. પૈસા, આવડત, બુધ્ધિથી નહિં પરંતુ સત્સંગ- સંત સમાગમ અને શાસ્ત્રોના વાંચનથી જ પરિવાર સુખી બનશે તેમ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૫મી ડીસેમ્બરથી એક માસ માટે અમદાવાદ ખાતે યોજાનારા પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવની વિસ્તૃત વિગતો પણ આપી હતી.