શિકાગોમાં ભટકી રહેલી હૈદરાબાદી યુવતી ભારત આવવા તૈયાર નથી

નવી દિલ્હી, લગભગ બે મહિના પહેલા શિકાગોથી એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં એક ભારતીય મહિલા દયનીય હાલતમાં રસ્તા ઉપર જાેવા મળી હતી. હૈદરાબાદની સાયેદા ઝૈદીના માથે છત નહોતી અને તે શિકાગોની ગલીઓમાં દિવસો કાઢી રહી છે. વિડીયો વાયરલ થયા બાદ શિકાગોની ઈન્ડિયન એમ્બસીએ સાયેદાને ભારત પાછી મોકલવા મદદની તૈયારી દર્શાવી હતી. પરંતુ સાયેદા જિદ્દ પર અડી છે અને ભારત આવવાની ના પાડી રહી છે.
આ તરફ ભારતમાં રહેલો સાયેદાનો પરિવાર સતત તેની ચિંતા કરી રહ્યો છે. તેમના કહેવા પર જ ઈન્ડિયન એમ્બસીએ સાયેદાની મદદ કરવા માટે હાથ લંબાવ્યો હતો. ૧૧ સપ્ટેમ્બરે શિકાગોમાં ભારતીય દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું કે, અમે સાયેદા ઝૈદીને ભારત પાછા ફરવા માટે વારંવાર મદદ કરવાની તૈયારી દર્શાવી.
પરંતુ હજી સુધી તેણે અમને હકારાત્મક જવાબ નથી આપ્યો.” હૈદરાબાદમાં એક્ટ પબ્લિક વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ મોહમ્મદ રહીમ ખાને લખેલા પત્રના જવાબમાં એમ્બસી તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે. સાયેદાને ભારત પાછી લાવવા માટે મોહમ્મદ રહીમ ખાને જ સોશિયલ મીડિયા થકી ભારતીય વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૩૭ વર્ષની સાયેદા લુલુ મિનાઝ ઝૈદી ઓગસ્ટ ૨૦૨૧માં ડેટ્રોઈટની ટ્રાઈન યુનિવર્સિટીમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરવા ગઈ હતી. ૨૨ જુલાઈ ૨૦૨૩ના રોજ સ્મ્ના લીડર અને સામાજિક કાર્યકર અજમેદ ઉલ્લાહ ખાને વિદેશ મંત્રાલયને સાયેદા ઝૈદીની હાલતથી અવગત કરી હતી.
બે હૈદરાબાદીઓએ તેને શિકાગોના રસ્તા ઉપર ફરતી જાેઈ હતી. પૂછપરછ કરતાં સાયેદાએ પોતાનું નામ અને પોતે હૈદરાબાદની હોવાનું જણાવ્યું હતું. અજમેદ ઉલ્લાહ ખાને હૈદરાબાદમાં રહેતી સાયેદાની મમ્મી સાયેદા વજાહ ફાતિમા સાથે તેની વિડીયો કૉલ ઉપર વાત પણ કરાવી હતી. એ વખતે પણ સાયેદાએ ભારત પાછા આવવામાં રસ નહોતો દાખવ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાયેદા માનસિક રીતે અસ્વસ્થ છે અને તે સામાજિક કાર્યકરો અને ઓથોરિટીઝ પાસેથી મદદ લેવાની ના પાડી રહી છે. સાયેદાની મમ્મીએ અગાઉ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “સાયેદા ટ્રાઈન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ઈન્ફર્મેશન સાયન્સનો કોર્સ કરવા અમેરિકા ગઈ હતી.
૨૦૨૧માં યુએસ ગયા પછી તે સતત અમારા સંપર્કમાં રહેતી હતી પરંતુ છેલ્લા બે મહિનાથી તે અમારા સંપર્કમાં નથી. તાજેતરમાં જ હૈદરાબાદના બે યુવકો થકી અમને જાણવા મળ્યું કે, મારી દીકરી ડિપ્રેશનમાં છે અને કેટલાક લોકોએ તેનો સામાન ચોરી લીધો છે, જેના લીધે તે ભૂખથી પીડાઈ રહી છે.”
આ સાથે જ તેમણે ભારતીય દૂતાવાસને દીકરીની મદદ કરવાની વિનંતી કરી હતી. જે બાદ ભારતીય દૂતાવાસે તેને શોધીને મદદ કરી હતી. કોન્સ્યુલેટે સાયેદા સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, તેણી સ્વસ્થ છે અને અમે તેને બનતી તમામ મદદ કરીશું. અજમેદ ખાનનું કહેવું છે કે, સાયેદાની મમ્મી અને આંટીએ યુએસના વિઝા માટે અરજી કરી છે. જેથી તેઓ શિકાગો પહોંચીને તેને સમજાવી શકે. હવે સાયેદા સુધી તેના ઘરવાળા ક્યારે પહોંચે છે અને તેને ભારત પાછી આવવા માટે મનાવી શકે છે કે કેમ એ તો ભવિષ્યના ગર્ભમાં છે.SS1MS