ચાણોંદ રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે દીપડીનું મોત
વડોદરા, વડોદરા જિલ્લાના ચાંણોદ રેલ્વે ફાટક પર ટ્રેનની અડફેટે એક દીપડીનું મોત નિપજ્યું હતું. વન વિભાગે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ નિયમ મુજબ દીપડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી મૂકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તાલુકાના ચાણોદ નજીક ઓરસંગ ગામડી અને ભાલોદ્રા ગામડી વચ્ચે રેલવે બ્રિજ આવેલો છે. શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી ગયેલી દીપડી પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતાં મોતને ભેટી હતી.
સવારે આ ઘટના અંગે સ્થાનિક લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃત દીપડીનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વન વિભાગ દ્વારા દીપડીના મૃતદેહને પી.એમ માટે ડભોઇ પશુ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
આ દરમિયાન ડભોઇ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને ચાંણોદ નેચર હેલ્પ ફાઉન્ડેશનનાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.ડભોઇના આર.એફ.ઓ. કલ્યાણી ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહને ડભોઇ પશુ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.
મૃતક દીપડીની ઉંમર સાડા ત્રણ વર્ષની હતી. હોસ્પિટલ ખાતે લાવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.SS1MS