અંકલેશ્વરનાં જૂના કાંસિયા ગામે દીપડાએ ગાયનું મારણ કર્યું
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં પુનઃ એકવાર જુના કાંસિયા ગામે દીપડાનો ગાયના તબેલાં પર હૂમલો કર્યો હોવાની ધટના સામે આવી છે.જેમાં દીપડાએ હુમલો કરતાં એક ગાયનું મોત થયું છે.જયારે બીજી એકને ઈજાઓ પહોંચતા ઘાયલ થતાં પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલજોવા મળી રહ્યો છે.
ર્અંક્લેશ્વર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દિપડાઓની હાજરીથી લોકોમાં ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે. જેના કારણે વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતા.જેમાં થોડા સમય પહેલાં એક દિપડો પાંજરે પુરાતાં લોકોએ હાશકારો લીધો હતો. જોકે પનુઃ બનેલાં બનાવથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. અંકલેશ્વર તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે.
તાજેતરમાં જ માનવભક્ષી દીપડો અમરતપુરા ગામથી પાંજરે પુરાયા બાદ ગ્રામજનોએ થોડો રાહતનો દમ લીધો હતો. લોકોને માંડ હાથ થઈ હતી ત્યા ગત રોજ જુના કાંસીયા ગામ ખાતે દીપડો પુનઃ માનવ વસાહત નજીક આવી ઘર આંગણે રહેલા તબેલામાં બાંધેલ ગયો પર હુમલો કર્યો હતો.જે હુમલામાં એક ગાયનું મોત નીપજ્યું હતું.તો અન્ય એક ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી.આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા સ્ટાફ અને સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.જેમાં દિપડાના પંજાના નિશાન મળ્યા હતાં.
કાંસિયા તેમજ જુના કાંસિયા ગામે દિપડાને ઝડપી પાડવા માટે પાંજરા મુક્યા હતા.ગામમાં અગાઉ દિપડાએ શ્વાનનું મારણ કર્યું હતું. ગ્રામજનો સહિત ખેડૂતોને રાતના સમયે જ દીપડો શિકાર કરવા નીકળતો હોવાથી રાત્રિએ અને વહેલી સવારે બહાર નહીં નીકળવા સાથે ૫થી વધુ લોકોએ સમૂહમાં જ બહાર નીકળવા અપીલ કરી છે.
નર્મદા કાંઠા વિસ્તારમાં ત્રણ દીપડાઓની હાજરી નોંધાઈ છે.ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં દીપડાઓની વસતીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને હાલ શેરડી કપાઈ જવાથી ખેતરોનું આશ્રય સ્થાન છીનવાઈ જતાં દિપડાઓ માનવ વસાહતો તરફ આવી રહ્યા છે. દીપડાઓએ અંકલેશ્વરના નર્મદા કિનારાના વિસ્તારને નવો વસવાટ બનાવી લીધો છે.