દર્દીઓ અને સગાઓ મોબાઈલનો ઉપયોગ કરીને કંટાળે નહિં તે માટે હોસ્પિટલનો નવતર પ્રયોગ
અમદાવાદની આ હોસ્પિટલમાં બન્યું દર્દી અને સગાઓ માટે પુસ્તકાલય
(એજન્સી)અમદાવાદ, હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં દર્દીઓનું મનોબળ વધે અને ઉત્તમ વિચારોનું સર્જન થાય તેવા ઉમદા હેતુથી એલ.જી.હોસ્પિટલમાં સૌ પ્રથમવાર દર્દીઓ અને તેમનાં સગાસંબંધી માટે વોર્ડવાઈઝ પુસ્તકાલય શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
એલ.જી.હોસ્પિટલના ડે.ડાયરેકટર જવલીન હાલાણીએ જણાવ્યું હુતં કે, હોસ્પિટલનાં વિવિધ વિભાગોમાં સારવાર માટે દાખલ થતાં દર્દીઓ અને તેમના સગાસંબંધીઓ માટે સમય પસાર કરવો એ કંટાળાજનક બાબત બની જતી હોય છે. વર્તમાન સમયમાં મોટાભાગના દર્દીઓ અને સગાસંબંધીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને કંટાળી જતા હોય છે.
સગાસંબંધી તો હોસ્પિટલમાં ઉપર-નીચે આંટા મારી આવે પણ બેડ પર સારવાર લેતાં દર્દી કયાંય જઈ શકાતા નથી તેથી તેમને સૌથી વધુ કંટાળો આવતો હોય છે. આથી દર્દીઓ માટે વાંચન પ્રવૃત્તિ સમય પસાર કરવાનું ઉત્તમ સાધન બની રહે તેવા વિચાર સાથે પુરુષ અને મહીલાઓનો ઓર્થોપેડીક વિભાગમાં પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યા છે.
તેવી માહિતી આપતાં ડેપ્યુટી ડાયરેકટરે જણાવ્યું હતું કે, દર્દીઓની સાથે તેમનાં સગાસંબધીઓ પણ ઈચ્છશે તો તેમને પણ વાંચવા માટે પુસ્તક અપાશે.
એલ.જી.હોસ્પિટલમાં પુસ્તકાલય ઉપરાંત દર્દીઓ માટે કેરમ અને ચેસજેવી ઈન્ડોેર ગેમથી દર્દીઓ આનંદમાં રહી શકે તે માટે ઈન્ડોર ગેમ શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.