Western Times News

Gujarati News

મેદાન પર બાખડેલા સિરાઝ-હેડને સજા થવાની સંભાવના

એડિલેડ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસની રમત દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ અને તેની વચ્ચે બોલાચાલી થઈ હતી.

મેદાન પરની આ તકરારની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ગંભીર નોંધ લીધી હતી. બંને વચ્ચેની આ બોલાચાલી બાદ આઇસીસી હવે તેની આચારસંહિતા મુજબ તેમની સામે પગલાં લઇને બંનેને પેનલ્ટી કરે તેવી શંકા છે. જેની ટૂંક સમયમાં જાહેરાત થશે.

હજી સુધી બંને સામે કોઈ પગલાં ભરાયા હોવાની જાણ કરવામાં આવી નથી પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલ મુજબ મેદાન પરની આ તકરારને કારણે તેમને સજા ચોક્કસ થવાની છે. બની શકે છે કે આઇસીસી આ માટે ટ્રેવિસ હેડ અને મોહમ્મદ સિરાઝને દંડિત કરે અથવા તો ઠપકો આપે.

જોકે તેમની ઉપર એકાદ મેચમાંથી સસ્પેન્શનની સજા થાય નહીં તેમ પણ બની શકે.મેચના બીજા દિવસે ટ્રેવિસ હેડે ૧૪૧ બોલમાં ૧૪૦ રન ફટકાર્યા હતા. તેને કારણે ઓસ્ટ્રેલિયા વિજયની સ્થિતિમાં આવી ગયું હતું. જોકે તે આઉટ થયો ત્યારે મોહમ્મદ સિરાઝ તેની સામે કાંઇક બોલ્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બનાવને પગલે પ્રેક્ષકોએ પણ સિરાઝનો હુરિયો બોલાવ્યો હતો.

જોકે રમતને અંતે ટ્રેવિસ હેડે જણાવ્યું હતું કે તેણે સિરાઝની પ્રશંસા કરતાં સારી બોલિંગ કરી છે તેમ કહ્યું હતું પરંતુ તેના જવાબમાં સિરાઝે જે વર્તન કર્યું તેનાથી હું દુખી થયો હતો. બીજી તરફ સિરાઝે એવો દાવો કર્યાે હતો કે હેડે સારી ભાષામાં વાત કરી ન હતી પરંતુ તેણે મને ગાળો બોલી હતી.

સિરાઝે કહ્યું હતું કે મેં માત્ર મારી સફળતાની ઉજવણી કરી હતી જેની સામે તેણે મને ગાળો ભાંડી હતી. તમે ટીવી રિપ્લેમાં પણ આ જોઇ શકો છો. મેં માત્ર ઉજવણી કરી હતી અને તેને કાંઈ કહ્યું ન હતું. પણ, હેડે મેચ બાદ પત્રકારો સમક્ષ જે કાંઈ કહ્યું તે સાચું ન હતું. તેણે વેલ બોલ એમ કહ્યાનો દાવો કર્યાે હતો પરંતુ દરેક વ્યક્તિએ જોયું છે કે તે આમ બોલ્યો ન હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.