જેસરનાં બેડા ગામે ૨ વ્યક્તિઓ પર સિંહનો હીંચકારી હુમલો
ભાવનગર, ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બેડા ગામની સીમમાં આવી ચડેલા એક સિંહે બે વ્યક્તિ પર હુમલો કરતા બંને વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. સવારે બેડા ગામના દિપુભાઈ બોઘાભાઈ મકવાણા પોતાની વાડી તરફ જઈ રહ્યા હોય ત્યારે અચાનક સિંહ સામે આવી ચડતા દિપુભાઈએ એકબાજુથી નીકળવાનો પ્રયાસ કરતા સિંહે તેમના પર હુમલો કરી બંને પગ પર ઇજાઓ કરી હતી.
સિંહે હુમલો કરતા દિપુભાઈએ ભારે બુમાબુમ કરતા સિંહ ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ આગળ જતા સામેથી આવી રહેલા ઇસ્માઇલભાઈ નામના વ્યક્તિ પર પણ હુમલો કરી તેના પગને મોઢામાં લઈ ઢસડી જવાની કોશિશ કરતા ઇસ્માઇલભાઇ એ ભારે બુમાબૂમ કરતા સિંહ તેને છોડીને ભાગી જતો રહ્યો હતો.
બે વ્યક્તિ પર સિંહના હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત બંનેને પ્રાથમિક સારવાર માટે જેસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે આ અંગેની જાણ વનવિભાગને પણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત બંને ને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિરલમાં ખસેડવામાં આવ્યા છે, તેમજ માનવ પર હુમલો કરનાર આ સિંહને પાંજરે પૂરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.