ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતો દિયોદરના જાડા ગામે એક શખ્સ ઝડપાયો
પાલનપુર, દિયોદરના જાડા ગામે એક વ્યક્તિ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ફરજી ડોકટરને ઝડપી લીધો હતો તેની પાસેથી વિવિધ કંપનીઓની દવાઓ અને મેડિકલના સાધનો સહિત રૂ.૩પ,૩૧૮નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે દિયોદરના જાડા ગામે એક વ્યક્તિ ડિગ્રી વગર ડોકટર તરીકેની પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. જેથી એસઓજીની ટીમે દિયોદરના કુચકવાડા પીએચસી સેન્ટરના ફાર્માસિસ્ટને સાથે રાખી જાડા ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ફરજી ડોકટરના ત્યાં રેડ કરી હતી.
પોલીસે ડિગ્રી વગર જ તબીબી પ્રેક્ટિસ કરતા ફરજી ડોકટરને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફરજીડોકટર ડુંગરજી ધારશીજી ઠાકોર (રહે. જાડા, તા. દિયોદર) પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે લોકોની સારવાર કરી તેમના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાથી આ અંગેની ફરિયાદ પ્રાઈમરી હેલ્થ સેન્ટર કુચકવાડા તા. દિયોદરના મેહુલકુમાર હસમુખભાઈ મોદીએ દિયોદર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા
પોલીસે ફરિયાદના આધારે ફરજી ડોકટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા ફરજી ડોકટરના ત્યાંથી અલગ અલગ કંપનીની દવાઓ તેમજ મેડિકલના સાધનો મળી કુલ રૂ.૩પ,૩૧૮નો મુદ્દામાલ જપ્ત કીર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.