૧૬ પાલતુ શ્વાનને લઈને શહેરની બહાર રહેવા જતો રહ્યો શખ્સ
અમદાવાદ, ડોગ લવર્સ અને ડોગ હેટર્સ, આ બે પ્રકારના લોકો વચ્ચેની લડાઈ સર્વવ્યાપક છે. ઘણાં લોકો એવા હોય છે જેમને શ્વાનથી ડર લાગતો હોય છે, જ્યારે ઘણાં લોકો એવા હોય છે જે શ્વાનને જાેઈને ખુશ થઈ જાય છે. અમુક ડોગ લવર્સ તો એવા હોય છે, જે પોતાનો પાળતુ શ્વાન હોય કે પછી રસ્તા પર રઝળતા શ્વાન હોય, તેમને જાેઈને જ ભેટી પડતા હોય છે.
આ જ પ્રકારના એક મતભેદનો શિકાર બોપલ વિસ્તારમાં રહેતા પવન પંચાલ થયા છે. પાછલા સાત વર્ષથી શ્વાનને કારણે તેમને પાડોશીઓ સાથે બોલાચાલી થતી હતી. આખરે તેઓ હવે શહેરની બહાર એક ખેતરમાં પોતાના ૧૬ શ્વાન સાથે રહેવા માટે જતા રહ્યા છે.
બોપલ વિસ્તારમાં આવેલી અમીધારા સોસાયટીના રહેવાસી પવન પંચાલ રસ્તા ફર ફરતા ઈજાગ્રસ્ત શ્વાન તેમજ ગલુડિયા પોતાના ઘરે લઈ આવતા હતા અને તેમને આશરો આપતા હતા. મોટાભાગે આ શ્વાન ઘરના દરવાજા બહાર બેસી રહેતા હતા, જેના કારણે સોસાયટીના અન્ય સભ્યોએ ફરિયાદ કરી હતી.
પાડોશીઓની ફરિયાદ હતી કે શ્વાનને તારણે તેમણે સમસ્યાનો સામનો કરવો પડે છે. પરિણામે લગભગ દસ દિવસ પહેલા પવન તમામ શ્વાન સાથે શહેરની બહાર જતા રહ્યા. હવે પવન પંચાલ શહેરની બહાર એક ખેતરમાં પોતાના શ્વાન સાથે રહે છે.
વર્ષ ૨૦૧૫ની વાત છે જ્યારે પવને પહેલીવાર સોસાયટી કમ્પાઉન્ડમાં જન્મેલા ગલુડિયાને પોતાના ઘરમાં સ્થાન આપ્યુ હતું. પવન જણાવે છે કે, લોકો અહીં બેફામ વાહન ચલાવે છે, માટે મને ડર હતો કે ક્યાંક ગલુડિયાઓ કોઈની ગાડી નીચે આવીને કચડાઈ ના જાય. માટે હું તેમને ઘરે લઈ આવ્યો. તેઓ મોટા થયા અને મેં તેમને રસીઓ પણ અપાવી તેમજ કાળજી રાખી.
ત્યારપછી મેં ઘણાં રઝળતા શ્વાનનું ધ્યાન રાખ્યું અને આજે મારી પાસે ૧૬ છે. પવન પંચાલ જણાવે છે કે, હાઉસિંગ સોસાયટીના અમુક લોકોને શ્વાન પસંદ નહોતા માટે તેઓ મારી સાથે લડાઈ કરતા હતા. મને ધમકાવતા હતા, શ્વાનને મારતા હતા અને નુકસાન પહોંચાડતા હતા.
સમયની સાથે સ્થિતિ વણસતી ગઈ. બે મહિના પહેલા તેમણે મારી ઉપર ખોટો આરોપ મૂક્યો કે મેં સફાઈ કર્મચારી સાથે લડાઈ કરી છે, અને તેમણે એટ્રોસિટી લૉ હેઠળ મારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરી. થોડા દિવસ માટે મારી ધરપકડ કરવામાં આવી હતી અને તે સમયે પણ મારા શ્વાનને માર મારવામાં આવ્યો હતો.
એક શ્વાન તો ગાયબ થઈ ગયુ હતું. ડોગ લવર પવન વધુમાં જણાવે છે કે, આ ઘટના પછી મેં નક્કી કર્યું કે મારે આ ઘર છોડીને એવી જગ્યાએ રહેવા જવું જાેઈએ જ્યાં શ્વાન સુરક્ષિત રહી શકે. પવનનો આરોપ છે કે, સોસાયટીના અમુક લોકો તેમને પરેશાન કરવા માટે ઘરની બહાર કચરો નાખતા હતા અને પછી તે જ કચરો ઉઠાવવા બાબતે લડાઈ કરતા હતા.SS1MS