Western Times News

Gujarati News

કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવ યોજાયો

સમાજની શક્તિ વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

પ્રસંગ સામૂહિક અવસર બને ત્યારે સમાજનું સ્નેહબંધન બની રહે છે-કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલસમૂહ લગ્નએ આજના સમાજ અને સમયની માંગ છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નારોલા ખાતે ચાવડા – ડાભી – રાઠોડ રાજપૂત સમાજ દ્વારા આયોજિત ૩૦મા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ફૂલહાર, પાઘડી, તલવાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી એ નવદંપતીઓને શુભઆશિષ પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે તમામ સમાજના વર્ગોને સાથે રાખીને સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે.

વડાપ્રધાનશ્રીએ સમાજશક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસ પર ભાર મૂક્યો છે. વડાપ્રધાનશ્રીના કાર્યમંત્ર એવા સમાજના વિકાસથી રાજ્યનો વિકાસ, રાજ્યના વિકાસથી દેશના વિકાસ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજનો દિવસ રાજપૂત સમાજની સંપ, શક્તિની ઉજવણી કરવાનો અવસર છે. જ્યારે પ્રસંગ સામૂહિક અવસર બને ત્યારે સમાજનું સ્નેહબંધન બની રહે છે. સમૂહ લગ્નએ આજના સમાજ અને સમયની માંગ છે. રાજપૂત સમાજની વૈભવશાળી સંસ્કૃતિ રહી છે. સમાજ સામાજિક એકતા, સંપ અને સહયોગથી આવા આયોજનોમાં ઉત્તરોત્તર સફળતા મેળવે છે.

આ તકે સમાજની શક્તિ વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સમૂહ લગ્નના આયોજન સાથે જોડાયેલ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ નવદંપતીઓ સાથે ફોટોસેશન યોજીને નવદંપતીઓ માટે આ અવસર વધુ યાદગાર બનાવ્યો હતો. આ ઉપરાંત ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં બેટી બચાવો, બેટી પઢાઓ અને સામાજિક ઉત્થાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે રખિયાલ ધારાસભ્યશ્રી દિનેશસિંહજી કુશવાહ,  અગ્રણીશ્રી જયરાજસિંહ પરમાર, શ્રી બળવંતસિંહ ડાભી, શ્રી ભગાજી ઠાકોર, શ્રી કિરપાલસિંહજી ચાવડા, પૂર્વ ધારાસભ્યશ્રી કનુસિંહ ડાભી, અગ્રણીશ્રી અશ્વિનસિંહ ચાવડા, શ્રી દિલીપસિંહ ડાભી, શ્રી ભૂપેન્દ્રસિંહ ચાવડા, શ્રી હઠીસિંહ ડાભી સહિત સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.